ગંદકીનું સામ્રાજ્ય:મોડાસામાં ખારકુવાના ગંદા પાણી જાહેર રોડ પર નિકાલ કરતી 5 હોસ્પિટલોને નોટિસ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં ખુલ્લી જગ્યામાં અને જાહેર રસ્તા ઉપર હોસ્પિટલો દ્વારા ગંદા પાણીનો નિકાલ કરાતાં દુર્ગંધ ફેલાતાં સ્થાનિકોમાં રોષ - Divya Bhaskar
મોડાસામાં ખુલ્લી જગ્યામાં અને જાહેર રસ્તા ઉપર હોસ્પિટલો દ્વારા ગંદા પાણીનો નિકાલ કરાતાં દુર્ગંધ ફેલાતાં સ્થાનિકોમાં રોષ
  • શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતાં રોગચાળાનો ખતરો
  • નગરપાલિકાએ બસ સ્ટેશન નજીક આવેલા ડોક્ટર હાઉસમાં ત્રણ હોસ્પિટલો અને અન્ય બે સહિત 5 હોસ્પિટલોને નોટિસ ફટકારી તાત્કાલિક ગંદું પાણી બંધ કરવા માટે તાકીદ કરાઈ

મોડાસા શહેરી વિસ્તારમાં આવેલી પાંચ હોસ્પિટલો દ્વારા ખારકુવાનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર બહાર કાઢવામાં આવતા નગરપાલિકા સત્તાવાળાઓએ બસ સ્ટેશન પાસે આવેલા ડોક્ટર હાઉસમાં ત્રણ હોસ્પિટલોને અને અન્ય બે હોસ્પિટલો સહિત 5 હોસ્પિટલોને નોટિસ ફટકારીને તાત્કાલિક ગંદું પાણી બંધ કરવા માટે તાકીદ કરી હતી.મોડાસામાં છેલ્લા કેટલાય સમયથી શહેરી વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ખડકાયુ છે. રોકટોક વગર જાહેર રસ્તા ઉપર ગંદું પાણીનો નિકાલ કરતા તેમજ શહેરના અનેક વિસ્તારોમાં ગંદું પાણી ભરાઈ રહેતા લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઈ છે.

નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરવા માટે અને ભરાઈ રહેલા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા શહેરમાં ગંદકીનું નિર્માણ થયું છે ત્યારે મોડાસા નગરપાલિકાની પાસે આવેલી લોટસ હોસ્પિટલ, ઓમ સર્જીકલ હોસ્પિટલ, શક્તિ ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ જતન ચિલ્ડ્રન હોસ્પિટલ અને ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ દ્વારા જાહેર રસ્તા ઉપર ખારકુવાનું પાણી કાઢવામાં આવતા અસહ્ય દુર્ગંધથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને શહેરીજનો તોબા પોકારી ઉઠયા હતા.

જાહેર રસ્તા ઉપર ગંદા પાણીનો નિકાલ કરાતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને સેનેટરી વિભાગમાં જાણ કરી હતી. પરિણામે નગરપાલિકા દ્વારા ઉપરોક્ત હોસ્પિટલોને નોટિસ ફટકારીને તાત્કાલિક ગંદું પાણી બંધ કરવા તાકીદ કરાઇ હતી.

આ હોસ્પિટલોને નોટિસ

  • લોટસ હોસ્પિટલ
  • ઓમ સર્જીકલ હોસ્પિટલ
  • શક્તિ ચિલ્ડ્રન હોસ્પિટલ
  • જતન ચિલ્ડ્રન હોસ્પિટલ
  • ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...