ભિલોડાના કુંભારીયા છાપરામાં મિત્રના લગ્નમાં આવેલા પાલ્લાના 27 વર્ષીય યુવાનના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા કરીને લોહીથી લથપથ હાલતમાં કુંભારીયા તલાવડી માંથી લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજે લઇ ડોગ સ્કવોડ તેમજ એફએસએલની મદદ લઇ હત્યારાઓ સુધી પહોંચવા તપાસ કરી હતી. પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ભિલોડામાં કાપડની દુકાનમાં નોકરી કરતો પાલ્લાનો મહેશભાઈ ઉર્ફે કાળુ જગાભાઈ મકવાણા (27), ગામના કુલદીપ બાબુભાઈ મકવાણા અને કરણ રાજુભાઈ ભગોરા એક્ટિવા લઈ કુંભારિયા છાપરા લીલછામાં તેના મિત્ર ભીમો ચંદુભાઈ તરાર રહે. કુંભારીયા છાપરામાં લગ્નમાં ગયા હતા. મોડી સાંજ સુધી મહેશભાઈ ઉર્ફે કાળુ ઘરે ન આવતા તેના પત્ની કૈલાશબેને ફોન પર સંપર્ક કરતાં તેણે જણાવ્યું કે હું કુંભારીયા છાપરામાં લગ્નમાં છું મોડી રાતથી થવા છતાં યુવાન ઘરે પરત ન ફરતાં વહેલી સવારે તેને ફોન કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો. બીજી બાજુ તેના નાનાભાઈ હરેશભાઈને જાણવા મળ્યું કે મહેશભાઈ ઉર્ફે કાળુ જગાભાઈ મકવાણાનો મૃતદેહ કુંભારીયાની સીમમાં આવેલ તલાવડીમાં પડ્યો હોવાની જાણ થતાં મૃતક યુવાનને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા કરેલી લોહીથી લથબથ હાલતમાં લાશ મળી હતી.
આ અંગે મૃતકના નાનાભાઇ હરેશભાઈ જગાભાઈ મકવાણા રહે. પાલ્લા તા. ભિલોડાએ પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ડોગ સ્કવોડ તેમજ એફએસએલની મદદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.