બાયડના વાત્રકગઢમાં મહિલાએ પતિની દારૂની વ્યસનથી કંટાળી બે બાળકો સાથે ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે દવા વધુ પડતી શરીરમાં જવાને લઈ છ વર્ષના પુત્રનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે માતા તથા અન્ય આઠ વર્ષીય પુત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આ મામલે પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ સાથે દારૂ બાબતે હંમેશાં બોલાચાલી થતી
સમગ્ર ચકચારી ઘટનાની વિગત અનુસાર વાત્રકગઢ પંથકમાં દારૂના દુષણને લઇ અનેક મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ ગામમાં મહિલાએ ઓચિંતું જ સૌ કોઈ હચમચી જાય તેવું પગલું ભરી દીધું હતું. દારૂના વ્યસનથી કંટાળી વાત્રકગઢ ગામના આશાબેન બળવંતસિંહ ડાભી (36) તેઓ વારંવાર તેમના પતિ બળવંતસિંહને દારૂ બાબતે હંમેશા બોલાચાલી કરતા હતા છતા પણ તેમના પતિ બળવંતસિંહને કોઈ ફરક ન પડતો હતો.
હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં હલચલ
ઘણા પ્રયત્નો કરવા છતા પતિને કાંઈ ફરક પડતો નહોતો છેવટે હારી અને કંટાળી ગત તારીખ 29 ના રોજ આશાબેને તેમની 8 વર્ષની પુત્રી પારુલબેન તથા 6 વર્ષના પુત્ર યુવરાજને ખેતરમાં લઈ જઈ ઝેરી દવા પી લઇ અંતિમ પગલું ભરતાં સમગ્ર પંથકમાં હલચલ મચી ગઈ હતી. તુરંત જ ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં તેઓએ 108 તથા ખાનગી વાહનમાં બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે 6 વર્ષીય યુવરાજને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાનું જણાવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન રવિવારે યુવરાજનું મોત થતાં પોલીસે માતા આશાબેન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
કપાસમાં ઇયળો મારવાની દવા પીધી: તબીબ
સારવાર કરનાર ડો. જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે મહિલા તથા બંને બાળકોએ કપાસમાં ઈયળો મારવા માટેની મોનોકોટ નામની ઝેરી દવા પીધી છે જેમાં માતા તથા પુત્રી ની હાલત અત્યંત ગંભીર હોઇ વેન્ટીલેટર પર છે.
માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો: પીઆઇ
બાયડ પી.આઈ એમ બી તોમરે જણાવ્યું કે મહિલાના પતિની તપાસ કરતાં તેઓ મંદબુદ્ધિ ના હોય તેમ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. હાલમાં મહિલા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર સિવિલમાં પુત્રનું મોત નીપજ્યું
વાત્રકગઢના આશાબેને તેમના પુત્ર તથા પુત્રી સાથે ઝેરી દવા પી લઇ જીવનલીલા સંકેલવાનો પ્રયાસ કરતાં છ વર્ષના યુવરાજ ની હાલત ગંભીર હોય તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.