અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના શુભ મુહૂર્તમાં વહેલી સવારે ખેડૂત પરિવારોએ ભૂમિ પૂજન કરીને હળોતરા કર્યા હતા. ખેડૂતોએ ધરતી માતાની આરાધના કરી સારા ચોમાસા અને સારું ધન-ધાન્ય પાકે માટે પૂજા અર્ચન કરી બળદને કંકુ તિલક કરી ઘી ગોળ ધાણાં ખવડાવીને પ્રાર્થના કરી હતી.
મોડાસા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગજાનંદ ભાઈ પટેલે જણાવ્યું હતું કે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા. એ ખેડૂતોનવા વર્ષના વધામણાના ભાગરૂપે ગામડાઓમાં ખેડૂતો આજે ભૂમિ પૂજન કરીને તેમજ હળોતરા કરી નવા વર્ષનો શુભ મુહૂર્તમાં પ્રારંભ કર્યો હતો.
વધુમાં વિજયાદશમી, લાભ પાંચમ અને અખાત્રીજના દિવસો અતિ શુભ માનવામાં આવે છે. જેના ભાગરૂપે ધરતી પુત્રો ખેડૂતો દ્વારા આજે ભૂમિ પૂજન કરી, મા ધરતીની આરાધના કરી સારા ચોમાસા અને સારું ધન-ધાન્ય પાકે તે માટે પૂજા રચના કરવામાં આવી હતી. કણનું મણ કરનાર ખેડૂતને પરિવાર દ્વારા કંકુ તિલક કરીને ગોળ ધાણા ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
જમીનદારોએ નવા વર્ષમાં ખેતીકામે રાખેલા ભાગીદારો અને શ્રમજીવીઓને કૌસાર ખવડાવીને અખાત્રીજના શુભ મુહૂર્તમાં ભૂમિ પૂજન કરીને હળોતરા કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.