મોડાસા પાસે આવેલ ખલીકપુર જ્યોતિગ્રામ વીજ ફીડરમાંથી છેલ્લા 20 દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શુક્રવારે દિવસ દરમિયાન અને મોડી રાત સુધી વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમી અને અંધકારમાં સોસાયટી વિસ્તારના રહીશો અને ખલીકપુરના ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા હતા.
ખલીકપુર પંચાયત હસ્તકના જ્યોતિગ્રામ વીજ ફીડરમાં ખલીકપુર, ગ્રીન સિટી, અશ્વમેઘ, શિવવિલા, ઉત્સવ વેલી,તિરૂપતિ રાજ બંગ્લોજ,પેલેટ હોટલ,આગમન રેસીડેન્સી સહિતની સોસાયટીઓમાં ખલીકપુર જ્યોતિગ્રામ વીજ ફીડરમાંથી વીજપુરવઠો અપાય છે.
છેલ્લા 20 દિવસથી ખલીકપુર જ્યોતિગ્રામ વીજફીડરમાં વારંવાર વીજપુરવઠો ખોરવાતાં અને વીજપુરવઠો ચાલુ બંધ થતા અનેક લોકોના વીજઉપરકણો બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે વીજતંત્રની નબળી કામગીરી અંગે રહીશો વીજતંત્રની કચેરીએ ફોન કરતાં કોઈપણ અધિકારીઓ ફોન ઉપાડી વાત કરવાની પણ તસ્દી લેતા નથી અને જો ઉપાડે તો લાઇન મેન્ટેનસમાં છે આવા એકજ જવાબનુ સતત રટણ કર્યા કરે છે. ગ્રામજનો અને સોસાયટીના રહીશોએ જણાવ્યું કે હજુ ચોમાસુ શરૂ થવાનું બાકી છે ત્યારે અત્યારથી વીજ ધાંધિયા શરૂ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.