કાર્યવાહી:અરવલ્લી જિલ્લામાં ખનીજ ચોરતાં ચાર વાહનો પકડાયા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા અને મેઘરજમાં ગેરકાયદે માટી પૂરાણ કરતાં શખ્સોને 3.60 લાખ ભરવા નોટિસ આપી

અરવલ્લી ખાણખનીજ વિભાગ દ્વારા રેતી અને બિલ્ડિંગ સ્ટોનનું ગેરકાયદે વહન કરતા કુલ 4 વાહનો સહિત અંદાજે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતાં ગેરકાયદે ખનીજ વહન કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જિલ્લા ખાણખનીજ વિભાગે મોડાસા અને મેઘરજમાં ગેરકાયદે ખનીજ ખોદકામ-પુરાણ કરતાં બે લોકોને રૂ. 3.60 લાખ દંડ ભરવા નોટિસ ફટકારી છે.

અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરીની સૂચનાથી ખાણ અને ખનીજ અરવલ્લીની તપાસ ટીમ દ્વારા ધનસુરા અને રાજેન્દ્રનગર ચોકડી પાસેથી યોગ્ય રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ખનીજ વહન કરતાં કુલ 3 ડમ્પર અને શામળાજી હાઇવે પરથી રોયલ્ટી પાસ વગર બિલ્ડીંગ સ્ટોન ભરી વહન કરતું 1 ડમ્પર સાથે કુલ 4 વાહનો ઝડપી પાડ્યા હતા. ખાણખનીજ વિભાગે અંદાજે રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતાં ગેરકાયદે અને ઓવરલોડ ખનીજ વહન કરતાં વાહનમાલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ તમામ વાહન માલિકો પાસેથી અવૈદ્ય ખનિજ વહન બદલ અંદાજે રૂ.7 લાખનો દંડ વસૂલવા અરવલ્લી ખાણખનીજ વિભાગ દ્વારા વસૂલ કરવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારી મન ચૌધરીએ જણાવ્યું હતું .જિલ્લા ખાણ ખનીજ વિભાગે આ ઉપરાંત મેઘરજના બેડજમાં ગેરકાયદે માટી ખોદકામ કરાવવા બદલ રૂ.1.40 લાખ અને ટીટોઈ-શામળાજી હાઇવે મોડાસામાં ગેરકાયદે માટી પૂરાણ કરી ખનીજચોરી કરતાં લોકો સામે લાલ આંખ કરતાં તેમની પાસેથી રૂ.2.20 લાખ વસૂલવા નોટિસ ફટકારતાં ગેરકાયદે ખનીજ વહન કરતાં અને ખનીજ ચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...