તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યારો બાપ:મેઘરજમાં નિર્દયી પિતાએ 3 બાળકની હત્યા કરી વૈડી ડેમમાં ફેંકી દીધાં, અગાઉ કુહાડી મારી પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો

મેઘરજ22 દિવસ પહેલા
  • પોતાની દીકરીના હત્યાના પ્રયાસ અને તેનાં બાળકોને મારવા બદલ જમાઈ વિરુદ્ધ સસરાએ ફરિયાદ નોંધાવી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ડેમમાંથી ત્રણ બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય બાળકને તેના પિતાએ જ મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘરકંકાસમાં પિતાએ ત્રણેય બાળકને મારીને વૈડી ડેમમાં ફેંકી દીધાં હતાં. પોલીસ બનાવની તપાસ માટે બાળકોના પિતાની પૂછપરછ કરવા જતાં ત્યારે તેણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેની હાલત ગંભીર છે. આ બનાવમાં પત્નીના પિતાએ જમાઈ વિરુદ્ધ ઈસરી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોઁધાવી છે.

બે બાળકી અને એક બાળકની લાશ મળી હતી
મળતી માહિતી અનુસાર, વૈડી ડેમમાંથી શનિવારે મોડી રાત્રે ત્રણ અજાણ્યાં બાળકની લાશ મળી હતી. આ મૃતક બાળકોમાં બે છોકરી અને એક છોકરો હતાં, જેને પગલે ઇસરી પોલીસ તેમજ મેઘરજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બાળકો કોનાં છે અને કોણે તેમને ડેમમાં ફેંક્યાં છે એ જાણવા માટે પોલીસે તપાસ ચાલુ કરી હતી. દરમિયાન નજીકના વૃક્ષ પરથી એક પુરુષની લટકતી લાશ મળી આવી હતી.

આપઘાતનો પ્રયાસ બાદ હત્યારા પિતાની હાલત ગંભીર
બનાવની પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. એમાં ઘરકંકાસથી કંટાળેલા પતિએ જ તેનાં ત્રણેય બાળકોને મારી નાખીને વૈડી ડેમમાં ફેંકી દીધા હતા. આ ઘટનાની તપાસ કરવા બાળકોના પિતાને પૂછપરછ માટે પોલીસ પહોંચી ત્યારે તેણે પણ એક વૃક્ષ પર ગળાફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પણ તેને બચાવી લેવાયો હતો અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જોકે તેની હાલત ગંભીર છે.

સપ્તાહ પહેલાં જ પત્નીને કુહાડી મારી હતી
મેઘરજના રમાડ ગામમાં અઠવાડિયા પહેલાં પતિએ પત્નીને ડાકણનો વહેમ રાખીને ઢોરમાર સાથે કુહાડી મારી હતી, જેથી હાલ પત્ની પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ બાદ પતિએ પોતાનાં જ ત્રણ બાળકોને ડેમમાં નાખીને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેથી સસરાએ પોતાના જમાઈ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. આ કેસમાં ઇસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.