તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઢકુલ્લા બ્લાસ્ટ:પોલીસના નિવેદન બાદ મૃતકના નાનાભાઇએ આપઘાત કર્યો; ડુંગર પર ઝાડ સાથે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

મોડાસા22 દિવસ પહેલા
ફાઇલ તસવીર: મૃતક કાંતિભાઇ ફણેજા.

શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લામાં ગત શનિવારે થયેલા હેન્ડ ગ્રેનેડથી થયેલા બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત થયુ હતું. જે પ્રકરણમાં પોલીસ દ્વારા મૃતક યુવકના નાનાભાઇને તપાસમાં લઇ ગયા બાદ મૃતકના નાનાભાઇએ ગામ નજીક આવેલા ડુંગર પર ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. મોટાભાઇ પછી નાનાભાઇનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક યુવકના નાનાભાઇના મોત મામલે પોલીસ દ્વારા સતત દબાણ કરતાં યુવકે ગામ નજીક ડુંગર પર ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે કરતાં ચકચાર મચી છે.

બ્લાસ્ટ મામલે જિલ્લા પોલીસતંત્ર સહિત સેન્ટ્રલ આઈબીની ટીમ, અમદાવાદ એટીએસ ટીમો તપાસમાં લાગી છે. પોલીસને ટીમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહિત આજુબાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથધરી છે. આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે પીએમ રિપોર્ટમાં જે સત્ય હશે તે બહાર આવશે.

મૃતક યુવકના પરિવારે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.
મૃતક યુવકના પરિવારે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.

શામળાજીના ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી ગત શનિવારે બ્લાસ્ટ થતાં પિતા અને બે વર્ષીય પુત્ર સ્વીટીનું મોત થયું હતું. ત્યારે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃતક યુવકના નાનાભાઇ કાંતિભાઈ ફણેજા (29) ને પોલીસ તપાસમાં લઇ ગઇ હતી. જે બાદ કાંતિભાઇએ ગામ નજીક આવેલા ડુંગર પર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા ભારે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી છે. પરિવારજનોએ પોલીસ દ્વારા સતત દબાણ કરાતાં અને માનસિક, શારિરીક ત્રાસ આપતાં મૃતકના નાનાભાઇએ આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ મામલે વિવિધ એજન્સી અને પોલીસ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તેનું કારણ જાણવા આકાશ અને પાતાળ એક કરી રહી છે.

PM રિપોર્ટમાં જે સત્ય હશે તે બહાર આવશે
આ અંગે ડીવાયએસપી વિશાલ રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બ્લાસ્ટનો મામલો ગંભીર હોવાથી પોલીસ અને એસઓજી ગંભીરતાથી તપાસ કરી રહી છે. તપાસ અધિકારી દ્વારા મૃતકના નાનાભાઈ કાંતિભાઇ ફણેજાને પૂછપરછ માટે તેની પાસે કોઈ સગવડ ન હોવાથી ગાડીમાં લાવવામાં આવ્યો હતો અને તેને પરત મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ તરફથી પરિવાર સાથે કોઈ ખરાબ વલણ રાખવામાં આવ્યું નથી. પરિવારનો આક્ષેપ હોય તો પીએમ રિપોર્ટમાં જે સત્ય હશે તે બહાર આવશે.

સાહેબ આવી લઈ ગયા, રાત્રે છોકરો રડતો આવ્યો
મૃતકના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સાહેબ આવી લઈ ગયા હતા અને રાત્રે છોકરો રડતો રડતો આવ્યો હતો અને માતાને કહેવા લાગ્યો હતો કે મારાથી નથી વેઠાતું હું મરી જવાનો છું આવું કહેતા તેની માતાએ દીકરા તું શાંતિ રાખ તેવું સાંત્વન પણ આપ્યું હતું.