ખેડૂતો બેહાલ:અપૂરતો વરસાદ અને ભૂગર્ભ તળ નીચા જતાં મોડાસા, માલપુર,બાયડમાં મકાઈના પાકની વાવણીમાં ઘટાડો

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષેમાં 15 હજાર હેક્ટરમાં મકાઈની વાવણી થઈ હતી ચાલુ ચાલે 10 હેકટરમાં વાવણી થઈ

અરવલ્લી જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે અને ભૂગર્ભ જળ નીચા જતા મોડાસા, માલપુર અને બાયડ પંથકમાં મકાઈના પાકની વાવણીનો ઘટાડો નોંધાયો છે. ઉપરોક્ત તાલુકા દૂધ ઉત્પાદન ક્ષેત્રે જિલ્લામાં મોખરે હોવાથી મોટાભાગના ખેડૂતો પશુઓના આહાર માટે મકાઈના પાકની વધુ પસંદગી કરતા હતા. પરંતુ ચાલુ વર્ષે પાણીની અછત ઊભી થવાના એધાણ વર્તાતાં ખેડૂતો મકાઈની વાવણી કરવામાં પાછી પાની કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોડાસા, બાયડ અને માલપુર તાલુકાના ગામડાઓમાં ગત વર્ષે 15 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતો અને પશુપાલકોએ મકાઈના પાકની વાવણી કરી હતી. જોકે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ અને ભૂગર્ભ જળ નીચા જતા ખેડૂતોને રવિ પાકની સીઝન માટે પાણીની ચિંતા કોરી ખાય છે. શિયાળુ સિઝન દરમિયાન બાયડ માલપુર અને મોડાસા તાલુકાના ખેડૂતો પશુઓના ઘાસચારા માટે અને આહાર માટે મોટાભાગે મકાઈની ખેતી કરવાની વધુ પસંદ કરતા હતા પરંતુ આગામી સિઝનમાં પાણીની અછત ઊભી થવાનાં એંધાણ થતાં ત્રણેય તાલુકાઓમાં શિયાળુ સિઝન દરમિયાન 10 હજાર હેક્ટર જમીનમાં મકાઈની પાકની વાવણી થવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

બોરકુવામાં અત્યારથી જ પાણીના સ્તર નીચા ગયા
અરવલ્લી જિલ્લામાં ચોમાસા દરમિયાન નહિવત વરસાદના કારણે શિયાળુ સિઝન માટે અત્યારથી જ બોરકુવામાં પાણીના સ્તર નીચા ગયા હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે. બીજીબાજુ મકાઈની ખેતીના સિંચન માટે ખેડૂતોને પાણીનો પુરતો પુરવઠો ન મળવાની આશંકા સેવાઈ રહી છે. જિલ્લાના આકાશી ખેતી ઉપરના બધા મેઘરજ અને તાલુકામાં પણ અત્યારથી જ કૂવામાં પાણીના સ્તર નીચા ગયા હોવાની સ્થાનિકોની બૂમ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...