તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવલ્લી ભેદી બ્લાસ્ટ:ભિલોડાના ગોઢકુલ્લાના ભેદી બ્લાસ્ટમાં વધુ એક મોત, દોઢ વર્ષીય બાળકીએ સારવાર દરમિયાન દમ તોડ્યો, પિતાનું અમદાવાદમાં પેનલ પોસ્ટમોર્ટમ થશે

અમદાવાદ19 દિવસ પહેલા
દોઢ વર્ષીય બાળકી સંતોષનું સારવાર દરમિયાન મોત
  • બ્લાસ્ટમાં ગંભીર ઈજાઓ પહોંચતા બંને બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ હતી
  • શામળાજી પોલીસ સહિત જિલ્લા પોલીસતંત્ર અને એફએસએલની ટીમ ભેદી બ્લાસ્ટ કઈ રીતે થયો તેની મથામણમાં લાગી
  • ગોઢકુલ્લાનો રમેશ ફણેજા તળાવમાંથી કોઈ પદાર્થ લાવ્યો હતો જેમાં બ્લાસ્ટ થયો હતો

શનિવારે બપોરે શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે એક રહેણાંક મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ગોઢકુલ્લામાં પરિવાર સાથે રહેતા રમેશ ફણેજાના ઘરમાં શનિવારે ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થતાં તેમના શરીરના ચીથરે ચીથરાં ઉડી જતાં ઘટનસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવમાં આજે વધુ એક મોત થયું છે. અમદાવાદમાં સારવાર હેઠળ રહેલી દોઢ વર્ષીય બાળકી સંતોષનું મોત થયું છે. જ્યારે યુવકના લાશનું અમદાવાદમાં પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.

એક મહિલા અને બે બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી
ગોઢકુલ્લામાં મકાનમાં બ્લાસ્ટમાં પતિનું મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને બે બાળકીઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ હતી. જેમાંથી ગંભીર ઈજાગ્રસ્ત દોઢ વર્ષીય સંતોષ નામની બાળકીનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શામળાજી પોલીસ સહિત જિલ્લા પોલીસતંત્ર અને એફએસએલની ટીમ ભેદી બ્લાસ્ટ કઈ રીતે થયો તેની મથામણમાં લાગી છે.

ભેદી બ્લાસ્ટમાં ઘટનાસ્થળે યુવક અને બકરી તથા 2 મરઘાંના મોત થયા હતા
ભેદી બ્લાસ્ટમાં ઘટનાસ્થળે યુવક અને બકરી તથા 2 મરઘાંના મોત થયા હતા

શું હતો સમગ્ર બનાવ?
પ્રાપ્ત માહિતી અનુસાર ગોઢકુલ્લાનો રમેશ ફણેજા નજીકમાં આવેલા તળાવમાંથી કોઈ પદાર્થ લાવ્યો હતો. તે જ પદાર્થ બ્લાસ્ટ થતાં સ્થળ પર મોટો ખાડો પડી જવાની સાથે બ્લાસ્ટના અવાજની તીવ્રતા ૩ કિમી સુધી લોકોને સંભળાઈ હતી. બ્લાસ્ટ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. એક બ્લાસ્ટથી આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. પ્રંચડ ધડાકા સાથે થયેલા બ્લાસ્ટમાં રમેશ ફણેજાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

બ્લાસ્ટ બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા
બ્લાસ્ટ બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા

હજુ એક બાળકી જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે
ગઈકાલે 28 ઓગસ્ટે ગોઢકુલ્લાના ઘરમાં ઘોડિયામાં ઉંઘેલી દોઢ વર્ષીય બાળકી બ્લાસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે બાળકીનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત નિપજ્યું હતું. હાલ અન્ય એક બાળકી પણ મોત સામે ઝઝૂમી રહી છે. ભેદી બ્લાસ્ટથી મકાનની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. તેમજ ઘર બહાર બાંધેલી બકરીનું પણ આ બ્લાસ્ટમાં મોત નિપજ્યું હતું. મૃતક યુવકની લાશને પીએમ માટે અમદાવાદ ખસેડવામાં આવી છે. જ્યાં એફએસએલ, પોલીસની હાજરીમાં તબીબોની પેનલ મૃતક યુવકની લાશનું પીએમ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.

બ્લાસ્ટમાં યુવકના ચીથરેચીથરાં ઉડ્યા હતા
બ્લાસ્ટમાં યુવકના ચીથરેચીથરાં ઉડ્યા હતા

વિસ્ફોટક પદાર્થ અંગે તપાસ હાથ ધરાઇ છે
આ અંગે અરવલ્લી જિલ્લાના ડીવાયએસપી ભરત બસિયાએ જણાવ્યું કે, વિસ્ફોટક સામગ્રી અંગે સ્પષ્ટતા થાય તે માટે એફએસએલની ટીમને પણ બોલાવાઇ છે. તદઉપરાંત જિલ્લા પોલીસની તમામ ટીમો કામે લાગી છે. ભિલોડાના અંતરિયાળ ગણાતા એવા ઉપરોક્ત ગામમાં વિસ્ફોટક સામગ્રી ક્યાંથી આવી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.