પોપ્યુલર બિલ્ડરના પુત્રની ધરપકડ:રમણ પટેલનાં 2 પુત્ર-પુત્રવધૂ શામળાજી ચેકપોસ્ટથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં, પુત્રવધૂએ બ્રેથ એનેલાઇઝર નાખવાની ના પાડી ધમાલ મચાવી

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી પુત્ર અને પુત્રવધૂની તસવીર. - Divya Bhaskar
આરોપી પુત્ર અને પુત્રવધૂની તસવીર.
  • કોવિડને કારણે ચકાસણી કરવા ન દેતાં પોલીસે મોઢું સૂંઘી પકડી લીધાં
  • અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રુપનું દંપતી રાજસ્થાનથી પરત ફરી રહ્યું હતું
  • પુત્ર પ્રિયેશ-તેની પત્નીની અણસોલ ચેક પોસ્ટ પાસે, પુત્ર મૌનાંગ, ત્રણ મિત્રની નંદાસણ પાસેથી ધરપકડ
  • ઉદયપુરમાં ન્યૂ યર પાર્ટી કરીને પરિવાર પાછો આવી રહ્યો હતો

પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલનો પુત્ર મૌનાંગ તેના 3 મિત્રો સાથે, જ્યારે ભાઈ પ્રિયેશ અને તેની પત્ની ન્યૂ યર પાર્ટી માટે ઉદયપુર ગયાં હતાં. 6એ જણ દારૂ પીને 2 કારમાં આવી રહ્યાં હતાં ત્યારે શામળાજી પોલીસે પ્રિયેશ અને તેની પત્નીને નાકાબંધી પોઈન્ટ પર, મૌનાંગ અને તેના 3 મિત્રોને મહેસાણાની નંદાસણ પોલીસે ઝડપી લીધાં હતાં.

શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીઓ અને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ 1 જાન્યુઆરીએ અણસોલ ચેક પોસ્ટ ખાતેના વાહન ચેકિંગ દરમિયાન સાંજે 6.20 વાગ્યે રાજસ્થાન, રતનપુર તરફથી આવેલી વોલ્વો કારમાં એક પુરુષ અને એક સ્ત્રીને રોકીને પૂછપરછ કરતાં તેમણે તેમના નામ પ્રિયેશ રમણભાઈ પટેલ (ઉં.39, પોપ્યુલર પાર્ક, સેટેલાઈટ) હોવાનું જણાવ્યું હતું. તેની સાથે પત્ની પણ હતી. બંનેનાં મોંમાંથી દારૂની દુર્ગંધ આવતી હોવાથી શામળાજી પોલીસે બંનેની ધરપકડ કરી કાર, ફોન કબજે કર્યાં હતાં.

બીજી બાજુ, 1 જાન્યુઆરીએ રાતે 10 વાગે મહેસાણાની નંદાસણ પોલીસે મહેસાણા-નંદાસણ હાઈવેના એસઆર પેટ્રોલ પંપ પાસે વોલ્વો કારમાં સવાર ચાર વ્યક્તિની પૂછપરછ કરતાં તે મૌનાંગ રમણ પટેલ (ઘનશ્યામ પાર્ક, સેટેલાઈટ), કારચાલક વિશ્વનાથ અમરનાથ રાવલ (ઇશ્વર અમીકૃપા સોસા., વેજલપુર) તેમજ ભીખાભાઈ હીરા પટેલ (શ્રીનગર ફ્લેટ, સોલા) અને નિકુંજ અરવિંદભાઈ પટેલ (દેવદત્ત, ન્યૂ રાણીપ) હોવાનું જણાવ્યું હતું.

પરંતુ ઉપરોક્ત ગાડીચાલક કોવિડને કારણે મોઢામાં એનેલાઇઝર નાખવાનો ઇનકાર કરતાં પોલીસે તેનું મોંઢું સૂંઘીને તોતળાતા અવાજે બોલતો હોવાથી તેમજ તેની આંખો લાલચોળ જણાતાં પોલીસને તે નશો કરેલી હાલતમાં જણાતાં પ્રિયેશ રમણભાઈ પટેલ અને ગાડીમાં મુસાફરી કરતી કોમલબેન પ્રિયેશભાઈ પટેલ નશાની હાલતમાં જણાતાં, બંને રહે. પોપ્યુલર પાર્ક સેટેલાઈટ રોડ, અમદાવાદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બ્રેથ એનેલાઇઝરમાં ફૂંક મારવાની પ્રિયેશની પત્નીએ ના પાડી ધમાલ કરી
પ્રિયેશની કાર પોલીસે રોકીને વાત કરતાં બંને પીધેલાં હોવાનું જણાયું હતું, જેથી મહિલા પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનમાં પ્રિયેશની પત્નીને ફૂંક મારવાનું કહેતાં તેણે મહિલા પોલીસકર્મચારીનો હાથ પકડીને ફૂંક મારવાની ના પાડી દઈ ધમાલ કરી હતી.

નવા વર્ષની પહેલી રાત લોકઅપમાં ગઈ
મૌનાંગની નંદાસણ પોલીસે ધરપકડ કરી, જ્યારે પ્રિયેશની શામળાજી પોલીસે ધરપકડ કરી હતી. બંને ભાઈ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમની ધરપકડ કરી 2 કાર અને મોબાઇલ ફોન સહિત 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને ભાઈને નવા વર્ષની પહેલી રાત પોલીસ લોકઅપમાં જ વિતાવવી પડી હતી.

પકડાયેલું દંપતી

  • પ્રિયેશ રમણભાઈ પટેલ
  • કોમલબેન પ્રિયેશભાઈ પટેલ