અકસ્માત:મોડાસાના દેવરાજ ચાર રસ્તે કારની ટક્કરે આધેડ પોલીસકર્મચારીનું મોત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેરાના દિવસે જ પોલીસકર્મીનું મોત થતાં પોલીસબેડામાં શોકની લાગણી
  • અકસ્માત કરનાર ગોધરાના કારચાલક સામે ફરિયાદ, મૃતક બાઇક પર જતો હતો

મોડાસા શહેરના દેવરાજ ચાર રસ્તા પાસે પસાર થતી કારના ચાલકે બાઇકચાલક પોલીસકર્મીને ટક્કર મારતાં તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 57 વર્ષીય પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર ગોધરાના કાર ચાલક વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસસ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. દશેરાના પાવન પર્વ નિમિત્તે પોલીસ કર્મીનું અકસ્માતમાં મોત થતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ સરુભાઈ તાબીયાડ શુક્રવારે મોડાસા-શામળાજી હાઈવે ઉપર આવેલ દેવરાજ ચાર રસ્તા પાસેથી બાઇક નંબર જીજે 31 બી 3253 લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન મોડાસાથી શામળાજી તરફ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક જઈ રહેલી કાર નંબર જીજે 17 એન 0282નો ચાલક નાસિરહુસૈન સલીમભાઈ લુહાર રહે. ખાડી ફળિયા ગોધરાએ બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક હેડ કોન્સ્ટેબલ રસિકભાઈનું મોત નિપજ્યું હતું.

પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અકસ્માતનો ભોગ બનતાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ દોડી આવ્યા હતા અને તેમના પરિવારને જાણ કરી હતી. જોકે મૃતક હેડ કોન્સ્ટેબલના પત્ની મીરાબેન અમદાવાદમાં પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તેમને પણ જાણ કરાઇ હતી. આ અંગે મૃતકના મોટાભાઈ દલાભાઈ સરુભાઈ રહે. પંચાલ ફળિયુ ગામ પંચાલ તા. મેઘરજે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગોધરાના કારચાલક નાસિરહુસેન સલીમભાઈ લુહાર વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...