માંડ માંડ બચ્યા:ભિલોડાના નાપડાના 4 યુવાનો ઉત્તરાખંડમાં સલામત, ચારેય યુવાનો છેલ્લા 3 દિવસથી રુદ્રપ્રયાગમાં ફસાયા,ત્રિલવાડાની ગોરી હોટલમાં સુરક્ષિત હોવાનું વાતચીતમાં જણાવ્યું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભિલોડા તાલુકાના નાપડા ગામના ચાર યુવાનો ઉત્તરાખંડમાં ફસાયા - Divya Bhaskar
ભિલોડા તાલુકાના નાપડા ગામના ચાર યુવાનો ઉત્તરાખંડમાં ફસાયા
  • 17 ઓક્ટો. ઉત્તરકાશી અને ગંગોત્રી યમનોત્રીના દર્શન બાદ ભૂસ્ખલન સર્જાતાં રસ્તામાંથી પસાર થતાં માંડ માંડ બચ્યા

ભિલોડા તાલુકાના શામળાજી પાસેના નાપડા ગામના ચાર યુવાનો કોરોના કાળમાં રાખેલી માનતા પૂર્ણ કરવા માટે ચાર ધામની જાત્રાએ ગયા હતા. પરંતુ ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિથી ભૂસ્ખલન સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી આ યુવાનો રુદ્રપ્રયાગમાં ફસાઈ ગયા છે. અને હાલ તેઓ ત્રિલવાડાની ગોરી હોટલમાં સુરક્ષિત હોવાનું વણઝારા કનુભાઈ રણછોડભાઇએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગોરી હોટલ રૂમ નંબર 301માં હાલ આશરો લઇ રહેલા ભિલોડા તાલુકાના નાપડાના વણઝારા કનુભાઈ રણછોડભાઈ, વણઝારા હિતેશકુમાર ઈશ્વરભાઈ, વણઝારા નકુલકુમાર ઈશ્વરભાઈ અને વણઝારા પવનકુમાર દિનેશભાઈ છે. કનુભાઈ વણઝારાએ દિવ્યભાસ્કર સાથે મંગળવારે રાત્રે 8:30 કલાકે મોબાઈલ વાતચીતમાં જણાવ્યું હતું કે ચારેય યુવાનો 14 ઓક્ટોબરે અમદાવાદથી પ્લેનમાં દેહરાદુન ઉતર્યા હતા બાદમાં તેમને નક્કી કરેલા પેકેજ મુજબ શિફ્ટ ગાડીમાં યાત્રા શરૂ કરી હતી.

17 તારીખે ઉત્તરકાશી અને ગંગોત્રી યમનોત્રીના દર્શન કર્યા બાદ અતિવૃષ્ટિ અને ભૂસ્ખલન સર્જાતા ઉપરોક્ત ચારેય યુવાનો રસ્તામાંથી પસાર થતાં પોતાની આંખો સામે ભૂસ્ખલન સર્જાતાં સમયે માંડ માંડ બચી ગયા હતા.જોકે ત્યારબાદ ભયંકર વાતાવરણના કારણે રુદ્રપ્રયાગમાં ફસાઈ ગયા છે અને તેઓ સલામતી માટે ગોરી હોટલમાં છેલ્લા ત્રણ દિવસથી સલામત હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે અસંખ્ય યાત્રાળુઓ રુદ્ર પ્રયાગમાં ફસાયા હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે સાંજના ચાર કલાક બાદ વાતાવરણ હળવું થતાં હાશકારો અનુભવ્યો હતો હવે સવારે ઉપરોક્ત ચારેય યુવાનો કેદારનાથ જવાના હોવાનું અને ત્યાં આગળ હોટલ કેદારમાં બુકિંગ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.

યુવાનો માનતા પૂર્ણ કરવા ચારધામની જાત્રાએ ગયા છે
કનુભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી દરમિયાન ચારે યુવાનોના પરિજનો કોરોનાની મહામારીમાં આવી ગયા હતા ત્યારે તમામે ચારધામની જાત્રા કરવાની માનતા રાખી હતી. જે માનતા પૂર્ણ કરવા યુવાનો ઉત્તરાખંડમાં ગયા છે.

સૂકો નાસ્તો કામ આવ્યો
મંગળવારે સવારે ઉત્તર કાશીથી ગંગોત્રી તરફ જતો રસ્તો બ્લોક થઈ જતાં ભાટવાડી પાસે ગુજરાતી યાત્રિકો અટવાયા હતા.જેમાં કેટલાક બાળકો પણ છે.મહેસાણા-પાટણના યાત્રિકો સક્કરપારા, ફૂલવડી વગેરે સૂકો નાસ્તો સાથે લઈ ગયા હતા,જે બાળકોને વહેંચ્યો હતો.

રુદ્રપ્રયાગમાં વિકટ પરિસ્થિતિના કારણે હોટેલમાં રહેવા-જમવાના 4 ગણા ભાવ વધ્યા
રુદ્રપ્રયાગમાં ફસાયેલા અરવલ્લી જિલ્લાના યુવાનોએ જણાવ્યું હતું કે હાલ તેઓ ગોરી હોટલ રૂમ નંબર 301માં રોકાયા છે અને તેનું ભાડું દિવસનું 6000 રૂપિયા થઈ ગયું છે. જે અગાઉ માત્ર રૂપિયા ૧૦૦૦થી ૧૫૦૦ હતું. વિકટ પરિસ્થિતિના કારણે સ્થાનિક લોકોએ ભાડામાં અને ખાણીપીણીમાં તોતિંગ વધારો કરવાની સાથે જમવાના પણ એક ટાઈમના એક માણસના 300થી 400 રૂપિયા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. યાત્રાળુઓની પરિસ્થિતિ પારખી ગયેલા સ્થાનિક લોકોએ યાત્રાળુઓ પાસેથી મન માન્યા રૂપિયા ખંખેરવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી.

ઊંઝાના મક્તુપુરના બે, પાટણના રૂવાવી, સરસાવ અને કલ્યાણાના એક-એક પરિવારના 10 યાત્રિકો સલામત
ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદથી નદીઓમાં પૂર અને અનેક રસ્તાઓમાં પહાડ ધસી પડતાં બ્લોક થવાથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકો અટવાઈ પડ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ જિલ્લાના 5 પરિવારના 10 યાત્રિકો તેમજ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેના નાપડા ગામના 4 યાત્રિકો અટવાયા હોવાનું જાણવા મળ્યું છે.

ઊંઝાના મક્તુપુર ગામના નરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, મંજુલાબેન નરેશભાઈ પટેલ, સેંધાભાઈ શંકરભાઈ પટેલ અને પુષ્પાબેન સેંધાભાઈ પટેલ તેમજ કલ્યાણા ગામના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વેટરનરી ડોક્ટર રમેશભાઈ માધાભાઈ પટેલ અને બબીબેન રમેશભાઈ પટેલ, ચાણસ્માના સરસાવ ગામના કાંતિભાઈ જોરાભાઈ પટેલ અને ગીતાબેન કાન્તીભાઈ પટેલ તેમજ પાટણના રૂવાવી ગામના વિષ્ણુભાઈ મફતલાલ પટેલ અને નીતાબેન વિષ્ણુભાઈ પટેલ આ 5 પરિવાર સાથે ચારધામની યાત્રાએ ગયાં છે.

જેઓ મંગળવારે સવારે 9 વાગે ઉત્તરકાશીથી ગંગોત્રી જવા નીકળ્યા હતા અને 30 કિલોમીટરનું અંતર કાપી ભાટવાડી ગામ પોલીસ થાણા પાસે પહોંચતાં તમામ યાત્રિકોને અટકાવી દેવાયા હતા. આગળ રસ્તો બ્લોક હોઇ આગળ ગંગોત્રી ન જતાં ઉત્તરકાશી હોટલે પરત ફર્યા છે. આ તમામ 10 યાત્રિકો સલામત છે.

અન્ય સમાચારો પણ છે...