માલપુર પંથકની કલંકિત ઘટના:4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર 24 વર્ષનો નરાધમ ઝડપાયો

માલપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોળીની રાત્રે બાળકી ઘર આગળ ઊંઘતી હતી ત્યારે ગામના જ શખ્સે ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું
  • ​​​​​​​પરિવારે બાળકીની શોધખોળ કરતાં ખેતર નજીક રડતી મળી હતી

માલપુરના ભેમપોડામાં તા. 17 માર્ચ ગુરૂવારની રાત્રે ચાર વર્ષીય બાળકી ઘર આગળ ઊંઘતી હતી. તે દરમિયાન ગામના જ શખ્સે બાળકીને ખેતરમાં લઈ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે માલપુર પોલીસમાં બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા અરવલ્લી જિલ્લા એલસીબીએ નરાધમને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ભેમપોડામાં હોળીની રાત્રે 4 વર્ષીય બાળકી ઘર આગળ ઊંઘતી હતી. તે દરમિયાન ગામનો જ 24 વર્ષીય વિશાલભાઈ(ગાજર) સાલમભાઈ ખાટ બાળકીને ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. ઘર આગળ બાળકીને ન જોતાં પરિવારે બાળકીની શોધખોળ કરતાં બાળકી ખેતર નજીક રડતી મળતાં અને બાળકી સાથે અઘટિત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને થતાં ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. બાળકીની માતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલભાઈ(ગાજર) સાલમભાઈ ખાટ (24) વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી એલસીબી એ ઝડપી પાડ્યો હતો. 4 વર્ષની બાળકીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ખેતરમાં આરોપી સંતાઇ ગયો હતો:પીઆઇ
પી.આઈ સી.પી વાઘેલાએ જણાવ્યું કે દુષ્કર્મ કરી આરોપી સંતાઈ ગયો હતો. એલસીબી તથા માલપુર પોલીસે આરોપી ભેમપોડા ગામના એક ખેતરમાં સંતાઈ ગયો છે જેની માહિતી મળતાં તેની ધરપકડ કરાઇ હતી.

ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
4 વર્ષની બાળકી ઉપર નરાધમે દુષ્કર્મ આચરતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...