માલપુરના રોહિતફળિયામાં રહેતી 9 વર્ષની બાળકી બીમાર થતાં તેનામાં શંકાસ્પદ ડેન્ગ્યૂના લક્ષણો જણાતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી. જ્યાં બાળકીને ડેન્ગ્યૂ હોવાનું નિદાન થતાં સારવાર શરૂ કરાઇ હતી. પરંતુ બાળકીનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે માલપુર આરોગ્ય વિભાગે રોહિતફળિયામાં 350 લોકોનો આરોગ્ય સર્વે હાથ ધર્યો હતો. રોહિત ફળિયામાં રહેતી ગીરા હિતેશભાઈ વાઘેલા નામની નવ વર્ષીય બાળકી બીમારીમાં સપડાતાં તેનામાં શંકાસ્પદ ડેન્ગ્યૂના લક્ષણો જણાતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ત્યાં બાળકીને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ આવતાં તબીબોએ બાળકીની સઘન સારવાર શરૂ કરી હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતાં બાળકીનું મોત ચકચાર મચી જવા પામી છે. માલપુરના રોહિત ફળિયા નજીક વર્ષો સુધી પટેલખાડામાં વરસાદી પાણી ભરાતાં મચ્છરજન્ય રોગચાળામાં અનેક લોકો સપડાયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્થાનિક તંત્રમાં ખાડાનો નિકાલ કરવા વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાનું પૂરાણ ન કરતાં પૂરાણ કરવા લોકોની માંગ છે
તપાસ : મૃતકના મકાનની પાસે ઝાડી ઝાંખરામાં ખાડામાં ભરાઇ રહેલા ગંદા પાણીની તપાસ કરાઇ
આરોગ્યના ડીએમઓ ડો. પ્રવિણ ડામોર, ડો. કૌશલ અને ડો.ગોસ્વામી તેમજ હેલ્થ સ્ટાફ માલપુરના રોહિતવાસમાં દોડી જઇ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરીને મકાનની નજીકમાં આવેલા ઝાડી ઝાંખરામાં આવેલા ખાડામાં ભરાઈ રહેલા ગંદા પાણીની પણ બારીકાઈથી તપાસ કરી આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થાનિક સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા.}અલ્ફાઝ મિર્ઝા
સાવચેતી : અહીંથી ડેન્ગ્યૂ ફેલાવાની દહેશત રહે છે
સતત ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે અને જૂની ચીજવસ્તુઓમાં તેમજ ટાયર અને સતત ભરાતાં ગંદા પાણીમાં એડીસ ઈજીપ્તી નામનો મચ્છરનો ઉપદ્રવ થાય છે અને આ મચ્છર કરડતાં જ દર્દી ડેન્ગ્યૂનો શિકાર બનતો હોય છે. મોટાભાગે આ એડીસ ઈજીપ્તી નામનો સફેદ મચ્છર મોટાભાગે દિવસે કરડતો હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. લોકોને જાગૃતિ ના ભાગરૂપે પાણીનો ભરાવો થતો અટકાવવો તેમજ મચ્છરનો ઉપદ્રવ અટકાવી ઘરની આસપાસ પડેલી જૂની ચીજવસ્તુઓમાં ભરાયેલું પાણીનો નિકાલ કરીને સાવચેતીનાં પગલાં જરૂરી છે.
આક્રોશ : વર્ષોથી ભરાઈ રહેલા ગંદા પાણીથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યાનો બળાપો
માલપુરના સામાજિક કાર્યકર લાલજી ભગતે જણાવ્યું કે રોહિતવાસ પાસે વર્ષોથી ઝાડી ઝાંખરામાં ઊંડો ખાડો આવેલો છે અને આ ખાડામાં અસહ્ય દુર્ગંધ મારતાં પાણી અને ગંદકીના કારણે નાના બાળકોમાં મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળો ફાટી નીકળતો હોવાનું અને નાના બાળકો તેનો ભોગ બનતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
ડેન્ગ્યૂના પ્રથમ તબક્કાનાં આ છે લક્ષણો
ડો. કૃણાલ પટેલે જણાવ્યું કે પ્રથમ તબક્કે દર્દીને ઠંડી ચઢીને તાવ આવે છે હાથપગમાં દુ:ખાવા સાથે કળતર શરૂ થાય છે.માથું સતત દુ:ખ્યા કરે છે.જો સમયસર રોગનું નિદાન ન થાય તો તે મોતની હૈયા સુધી પહોંચી શકે છે. સતત માથું દુ:ખવાની સાથે દર્દીના પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે તેના કારણે અંતિમ તબક્કામાં કાઉન્ટ ઘટી જવાના કારણે અને સમયસર સારવાર ન મળવાના કારણે દર્દીના શરીરમાંથી બ્લડીંગ પણ શરૂ થઈ જાય છે. ઓછામાં ઓછા લોકોમાં અઢી લાખથી 400000 પ્લેટલેટ કાઉન્ટ હોવા જોઈએ જે ઘટી નીચે જતા જતા અંતિમ તબક્કે સારવારના અભાવે દર્દી મોતને ભેટે છે.
4 ટીમો બનાવી 350 લોકોનો સર્વે કરાયો છે
આ અંગે માલપુર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર યોગેશભાઈ ગોસ્વામીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે ડેન્ગ્યુનો એક કેસ આવ્યો છે જેને લઇ આરોગ્ય વિભાગની ચાર ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે તથા 350 ઉપરાંત લોકોનો સર્વે કરાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.