પરિસ્થિતિ વણસે તેવા એંધાણ:અરવલ્લીમાં ક્વોરી ઉદ્યોગ ઠપ થતાં મજૂરો ખફા

બાયડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર ઉદ્યોગકારોની માંગ ઝડપથી પૂરી કરે તેવી ક્વોરી એસો.ની માંગ

અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન એવા ક્વોરી ઉદ્યોગને છેલ્લા ૩ દિવસથી ગ્રહણ લાગી ગયું છે. ઉદ્યોગકારોની માંગણીઓ સરકાર દ્વારા ઉકેલ લાવવામાં ન આવતાં પરિસ્થિતિ વણસી ગઇ છે. એક તરફ ઉદ્યોગકારો મક્કમ બની હડતાલ કરી દેતા હજારો મજૂરોની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થઇ ગયો છે. જ્યારે બીજી બાજુ સરકારની આવક પણ રોજબરોજ ઘટવા માંડી છે.

સાત માંગણીઓનો ઉકેલ સરકાર દ્વારા ન થતા હવે ઉદ્યોગકારો લડાયક મૂડમાં આવી ગયા છે. ત્રણ દિવસથી અરવલ્લી જિલ્લામાં તમામ ક્વોરી બંધ થઈ જતાં પરિસ્થિતિ વણસી ગઇ છે. હજારો મજૂરો ની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થઇ ગયો છે. આ મામલે ગુજરાત ક્વોરી એસોસિએશનના ઉપપ્રમુખ રમણભાઈ પટેલે જણાવ્યું કે ઉદ્યોગકારો દ્વારા સતત સરકાર સમક્ષ માગણીઓને લઇ રજૂઆતો કરવામાં આવતી હતી. કોઈ યોગ્ય ઉકેલ ન આવતા છોટે અમારે સૌએ હડતાલનું શસ્ત્ર ઉપાડ્યું છે. હવે માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી મક્કમતા પૂર્વક ઉદ્યોગકારો હડતાલ ચાલુ જ રાખશે.

રોજની કરોડ જેટલી આવક ઉદ્યોગો આપે છે
એક તરફ સરકાર ક્વોરી ઉદ્યોગકારોની માગણીઓ પૂરી નથી કરતી ત્યારે આ ઉદ્યોગોથી જ સરકારને પ્રતિદિન 60 લાખ ઉપરાંત રોયલ્ટી મળે છે. અન્ય ટેક્ષ મળીને કુલ એક દિવસની એક કરોડ જેટલી આવક સરકારને આ જ ઉદ્યોગો આપી રહ્યા છે. છતાં પણ સરકાર કંઈ ન સાંભળતા ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે.

5000 ટ્રકના પૈડા થંભી ગયા
જિલ્લામાંથી ગ્રીટ કપચી મેટલ લેવા આવતા 5000થી પણ ઉપરાંત ટ્રકોના પૈડા થંભી ગયા છે. જેની આગામી સમયમાં વિપરીત અસર આવે તેમ છે. એક તરફ ઉદ્યોગકારો દ્વારા માલનું ઉત્પાદન થંભાવી દેતા પેટ્રોલ પંપ ટાયરની દુકાનો સ્પેરપાર્ટની દુકાન ક્રશરના કારખાના વગેરે ઉપર સીધી અસર વર્તાઈ ગઈ છે.

અરવલ્લી જિલ્લામાં 100 જેટલી ક્વોરી
​​​​​​​અરવલ્લી જિલ્લામાં વડાગામમાં 40, સીમલીમાં 20, વાત્રકમાં 10 તથા સાઠંબામાં 30 જેટલા ક્વોરી છે. 4000 જેટલા મજૂરો કામ કરે છે. ઉદ્યોગો બંધ હોવાને લઇ આવક ન થતા મજૂરની હાલત પણ હવે કફોડી બની ગઈ છે. છેલ્લા ૩ દિવસથી ઉદ્યોગો બંધ થઇ જતાં મજૂરોને જીવવું પણ હવે મુશ્કેલ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...