આવેદનપત્ર:બાયડના અલવામાં કેમિકલ ડમ્પિંગ સાઇટના કારસાથી વિરોધ

બાયડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ ડમ્પિંગ સાઇટ આ સ્થળે ઉભી કરાય તો આસપાસના વિસ્તારો ઉજ્જડ થવાનો ભય
  • અલવા ગામ દ્વારા વારંવાર આ બાબતે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવા છતાં આંખ આડા કાન

બાયડ તાલુકા તથા ધનસુરા તાલુકાની સરહદે આવેલ અલવાની બિલકુલ નજીકમાં કેમિકલ ડમ્પિંગ સાઇટ ઉભી કરવા માટે કારસો રચાતાં અલવા ગ્રામ પંચાયત સહિત અનેક વિરોધ હોવા છતાં આગામી 28 જાન્યુઆરીના રોજ લોક સુનાવણી રાખી છે.

બાયડના રવિભાઈ પટેલ, સિરાજભાઈ મોડાસીયા અલવા ગ્રામ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ લાલાભાઇ પટેલે જણાવ્યું કે અલવા નજીક કોમન હેઝાર્ડસ વેસ્ટ ટ્રીટમેન્ટ સ્ટોરેજ અને ડિસ્પોઝેબલ ફેસીલીટી ( ટીએસડીએફસાઈડ ) ઉભી કરવા માટે શંકા ઉપજાવે તેવો કારસો તંત્ર દ્વારા રચાઇ રહ્યો છે આ પ્લાન્ટ ગામના સર્વે નંબર 125-,1, 125-2, 125-3, માં કરાઇ રહ્યો છે. અલવા ગામ દ્વારા વારંવાર આ બાબતે વિરોધ નોંધાવી આવેદનપત્રો આપવામાં આવ્યા છતાં પણ ષડયંત્ર કરી અાગામી 28 જાન્યુઆરીના રોજ લોક સુનાવણી રાખી છે.

કેમિકલ ડમ્પિંગ સાઇટ આ સ્થળે ઉભી કરાય તો આસપાસના વિસ્તારો ઉજ્જડ થઈ જશે આ ડમ્પિંગ સાઇટ ની જગ્યા છે તે વાત્રક નદી તથા સુજલામ સુફલામ કેનાલની બિલકુલ નજીક છે બે દિવસ અગાઉ અલવા પંચાયત દ્વારા ડમ્પિંગ સાઇટના વિરોધને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા નોટિફિકેશન બહાર પાડી લોક સુનાવણી રાખતાં બાયડ તથા ધનસુરા તાલુકામાં હલચલ મચી ગઈ છે.

27. 50 મેટ્રિક ટન ઘન કચરો ઠલવાશે
અલવા ગ્રામજનોએ જણાવ્યું કે 27. 50 લાખ મેટ્રિક ટન ઘન કચરો આ સ્થળે ડમ્પિંગ કરાશે તેવું નોટિફિકેશનમાં જણાવ્યું છે. આ થાય તો અલવા સહિત આસપાસના ગામોમાંથી લોકો તથા હજારો પશુઓને હિજરત કરવી પડશે.

બાયડ તાલુકામાં ભૂતકાળમાં વિરોધ થયો હતો
બાયડના ગાબટ પાસે સીમાલીયા ગામે આવો કેમિકલ પ્લાન્ટ ઉભો કરવાનો કારસો રચાઈ રહ્યો હતો ત્યારે વિરોધ થતાં કામ મુલતવી રખાયું હતું.

બાયડ તાલુકાની 42 પંચાયતોમાં નોટિફિકેશન
ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા પાડવામાં આવેલા નોટિફિકેશનમાં બાયડ તાલુકાના અમરાપુર રૂગનાથપુર આકોડીયા વાત્રક ગઢ રતનપુર ફતેપુર જીતપુર દહેગામડા રણેચી જેવા 42 જેટલા ગામોની લોક સુનાવણી રાખી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

કોરોનાકાળમાં 28 મીએ લોક સુનાવણી
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હજારો કેસો દિનપ્રતિદિન વધવા લાગે છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલી લોક સુનાવણીને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.આવી મહામારીમાં કેમ આ કાર્ય થાય છે તે આમ જનતાને સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...