સમસ્યા:વિસનગરની કર્મભૂમિ સોસાયટીના બે વિભાગોમાં 4 વર્ષથી પાણીની સમસ્યા

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપૂરતું પાણી મળતું હોઇ સ્વખર્ચે ટેન્કર મગાવવું પડે છે : રહીશો
  • ​​​​​​​નજીકમાં ફ્લેટ બન્યા બાદ પાણીનો ફોર્સ ઘટી ગયાની સોસાયટીના રહીશોની રાવ

વિસનગર શહેરની કર્મભૂમિ સોસાયટીના વિભાગ-1 અને 2ના રહીશો છેલ્લા ચાર વર્ષથી અપૂરતા અને અનિયમિત પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. જેને લઇ રહીશોએ સ્વખર્ચે ટેન્કરથી પાણી મગાવવું પડે છે. સોસાયટીના રહીશોએ તેમની બાજુમાં ફ્લેટ બન્યા પછી પાણીનો ફોર્સ ઘટ્યો તેમજ અનિયમિત થયું હોવાનું જણાવી તેમને અલગથી પાઇપ લાઇન નાંખી પાણીની આ સમસ્યા કાયમી દૂર કરવા માંગણી કરી છે.

શહેરની તિરૂપતિ ટાઉનશીપ નજીકની કર્મભૂમિ સોસાયટીના વિભાગ-1 અને 2ના રહીશોને છેલ્લા ચાર વર્ષથી પાલિકા દ્વારા અપાતાં અપૂરતા પાણીને કારણે પોતાના ખર્ચે સપ્તાહમાં અેકવાર ટેન્કર મંગાવવું પડતું હોઇ રોજની અા સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રહીશોના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ અગાઉ સોસાયટીમાં પાણી પૂરતા ફોર્સ અને નિયમિત અાવતું હતું પરંતુ સોસાયટીની બાજુમાં ફ્લેટ બન્યા બાદ પાણીનો ફોર્સ ઘટી ગયો છે અને હાલમાં 20 મિનિટ જેટલું પાણી અપૂરતા ફોર્સથી અાવે છે. જેથી અમારે ના છુટકે ટેન્કર મંગાવવું પડે છે. અા અંગે પાલિકામાં વારંવાર રજૂઅાતો કરાઇ છે. સત્તાધીશો સ્થળ ઉપર અાવી ચકાસણી પણ કરી ગયા છે, પરંતુ અા સમસ્યા હજુ સુધી હલ થઇ નથી. જ્યાં સોસાયટીના રહીશો તેમની સોસાયટીની પાણીની સમસ્યા કાયમી દૂર થાય તે માટે અલગથી પાઇપલાઇન નાંખવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...