બબાલ:વિસનગર પાલિકામાં ખુરશીમાં બેસવા મુદ્દે પ્રમુખના પતિને ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ વચ્ચે ચાલતો ખટરાગ ખૂલીને બહાર આવ્યો
  • પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદ પટેલ અને ઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચે બબાલ

વિસનગર નગરપાલિકામાં બુધવારે પ્રમુખ વર્ષાબેન પટેલની ચેમ્બરમાં બેઠેલા પ્રમુખના પતિ હર્ષદ પટેલ અને પાલિકાના ઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચે બોલાચાલી થતાં ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધાની ઘટનાથી પાલિકામાં ભાજપમાં ચાલી રહેલા ખટરાગ ખૂલીને બહાર આવી ગયો છે. પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉપપ્રમુખ રૂપલ પટેલે તેમને પ્રમુખની ખુરશીમાં બેઠેલા હોઇ ના પાડતાં તેમણે ચેમ્બરમાંથી બહાર નીકળી જવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે છેલ્લા મહિનાઓથી વિવાદ ચાલે છે, જેના કારણે ગત સામાન્ય સભામાં પણ ઉપપ્રમુખ સભ્યો જોડે નીચે બેઠા હતા. વિસનગર પાલિકામાં બુધવારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની ખુરશીમાં પ્રમુખના પતિ હર્ષદભાઇ પટેલ બેઠેલા હતા. આ સમયે ઉપપ્રમુખ રૂપલ પટેલ આવતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉપપ્રમુખે હર્ષદભાઇને લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. જોકે, થોડાક સમય પછી મામલો શાંત પડી જતાં પ્રમુખના પતિ અને ઉપપ્રમુખ નીકળી ગયા હતા.

આ ઘટનાને લઇ નગરપાલિકામાં હોહા મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં છેલ્લા કેટલાક મહિનાથી પ્રમુખ વર્ષાબેન પટેલ અને ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઉપપ્રમુખની ખુરશી પણ નથી તેમજ સામાન્ય સભામાં પ્રમુખ જોડે બેસતા ઉપપ્રમુખ રૂપલ પટેલ ગત સા.સભામાં સભ્યો જોડે નીચે બેઠેલા જોવા મળ્યા હતા.

તમે પ્રમુખ નથી કેમ વહીવટ કરો છો કહી લાફો માર્યો
મારાં પત્ની વર્ષાબેન પટેલને આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોવાથી તે ઘરની બહાર નીકળી શકે તેમ ન હોઇ ચીફ ઓફિસરે આઉટ સોર્સિંગનાં બિલોની ચર્ચા કરવા મને બોલાવ્યો હતો. ચીફ ઓફિસરની કેબિનમાં ચર્ચા બાદ મેં પ્રમુખની ઘરે જઇ સહી લાવવાનું કહ્યું હતું. જ્યાંથી બહાર નીકળી પ્રમુખની ચેમ્બરમાં સાઇડની ખુરશીમાં બેઠો હતો, તે સમયે ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલે આવી તમે પ્રમુખ નથી કેમ વહીવટ કરો છો તેમ કહી મને લાફો મારી દીધો હતો. - હર્ષદભાઇ પટેલ, પ્રમુખના પતિ

ખુરશીમાં બેસવા ના પાડતાં મને બહાર નીકળ તેમ કહ્યું
પ્રમુખના પતિ હર્ષદભાઇ પ્રમુખની ખુરશી ઉપર બેઠા હતા અને મેં તેમને ખુરશીમાં બેસવા ના પાડી તમે વહીવટ કેમ કરો તેમ કહેતાં મને અહીંયાથી બહાર નીકળ તેમ કહેતાં બોલાચાલી થઇ હતી. જેમાં મામલો ઉગ્ર બનતાં મેં લાફો માર્યો હતો. - રૂપલભાઇ પટેલ, ઉપપ્રમુખ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...