વિસનગરમાં યોજાયેલા બાવીસી ગોળ ચૌધરી સમાજના યુવા મહિલા સંમેલનમાં સમાજમાં ચાલતા કુરિવાજોમાં સુધારા કરવા તેમજ ભાગીને લગ્ન કરતી દીકરી માટે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહીનો કાયદો બનાવવા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. સંમેલનમાં સમાજના 25 ગામોમાંથી મહિલાઓ હાજર રહી હતી.
અહીંની આદર્શ વિદ્યાલયમાં યોજાયેલા મહિલા સંમેલનમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઇ ચૌધરી, સાહિત્યકાર હરિભાઇ દેસાઇ, શિક્ષણવિદ ડો. જી.એન.ચૌધરી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં સમાજમાં ચાલતા કુરિવાજો જેવા કે મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચા, રીંગ સેરેમની, વરઘોડા, ફટાડકા ફોડવા સહિતની બાબતોમાં સુધારા લાવવા હાકલ કરાઇ હતી.
તેમજ દીકરીઓને વધુ ભણાવવા, મરણ પ્રસંગમાં ઓઢાડાતી શાલને બદલે રોકડ આપવા અપીલ કરાઇ હતી. આયોજક સમાજના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી અને મહામંત્રી મોતીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, કુરિવાજોમાં સુધારાની સાથે ભાગીને લગ્ન કરતી દીકરી માટે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહીનો કાયદો હોવો જોઇએ તેની પણ ચર્ચા કરાઇ હતી. જ્યારે દીકરીઓમાં પણ શિક્ષણનો વ્યાપ વધે તે માટે આગામી સમયમાં કાર્યક્રમો કરાશે. ભોજનદાતા દિલીપભાઇ શંકરભાઇ ચૌધરી અને ગુંજા ગામના સુરેશભાઇ વિરસંગભાઇ ચૌધરી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.