એક ચોરી એક લગ્ન યોજના:કોરોનામાં સમૂહલગ્નને જીવંત રાખવા વિસનગર સાતસો કડવા પાટીદાર સમાજ એક રૂપિયામાં લગ્ન કરાવી આપશે

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાનેતર, મંડપ , લગ્નચોરી, ભોજન સહિત તમામ ખર્ચ સમાજ ઉઠાવશે

વિસનગર સાતસો કડવા પાટીદાર સમાજે કોરોનાકાળમાં સમૂહલગ્નો વિસરાતાં સમાજ માટે એક રૂપિયામાં એક ચોરી અને એક લગ્ન યોજના અમલમાં મકી છે. જેમાં લગ્ન કરનાર દંપતીને તમામ પ્રકારની જરૂરિયાતોનો સામાન સમાજ તરફથી આપવામાં આવશે અને લગ્ન અલગ અલગ દિવસે લગ્ન સમાજની વાડીમાં કરાશે.

સમાજના પ્રમુખ કિર્તીભાઇ પટેલે જણાવ્યું કે, કોરોનાની મહામારીને પગલે ધાર્મિક, સામાજિક પ્રસંગો હાલમાં બંધ છે અને આ મહામારી ક્યારે અટકશે તે નક્કી નથી. સોશિયલ ડિસ્ટન્સ તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઇ વિવિધ સમાજો દ્વારા સમૂહલગ્નો બંધ રાખવાના નિર્ણયો જાહેર કરાયા છે. ત્યારે વિસનગર સાતસો કડવા પાટીદાર સમાજ દ્વારા એક રૂપિયામાં એક ચોરી એક લગ્નની યોજના જાહેર કરાઇ છે. જેમાં બંને પક્ષના 100 મહેમાનોને પાસ અપાશે તેમજ લગ્નના અગાઉ કે પછી કોઇપણ પ્રકારનો સમારંભ કરવાનો રહેશે નહીં તેવી શરતો મૂકવામાં આવી છે. આયોજકોની સમૂહ લગ્નોમાં થતા ખર્ચની બચતનો ઉપયોગ સમાજના શૈક્ષણિક તરફ વાળવાનો પ્રયાસ છે.

દરેક લગ્ન અલગ અલગ દિવસે થશે
આ યોજનામાં વર- કન્યાનાં લગ્ન ફક્ત એક રૂપિયાના રજીસ્ટ્રેશનથી જ કરી આપવામાં આવશે. જેમાં પાનેતર, મંડપ , લગ્નચોરી, ભોજન સહિત તમામ ખર્ચ સમાજની સંસ્થાઓ ઉઠાવશે. ઉપરાંત, દરેક કન્યાને વિવિધ દાતાઓ દ્વારા રૂ.50 હજારથી વધુની કન્યાદાન સ્વરૂપે ભેટ આપવાની પણ વ્યવસ્થા કરાઇ છે. દરેક લગ્ન અલગ અલગ દિવસે સમાજની વાડીમાં જ કરાશે. > રાજુભાઇ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...