વિસનગરમાં મહેસાણા રોડ ઉપર અાવેલ સંસ્કૃતિ બંગ્લોઝ અને ગેલેક્ષી સુપર બંગ્લોઝમાં રહેતા બે પરિવારો રાત્રે પોતાના ઘરની બહાર સુઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશેલ તસ્કરો રોકડ સહિત સોના-ચાંદીના દાગીના સહિત 4.50 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અા બનાવને લઇ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજને અાધારે તપાસ હાથ ધરી છે જો કે અા લખાય છે ત્યાં સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.
શહેરના મહેસાણા રોડ ઉપર અાવેલ ગેલેક્ષી સુપર બંગ્લોઝમાં રહેતા પટેલ સંજયકુમાર કાન્તિલાલ ગુરૂવારે રાત્રે તેમના પરિવાર સાથે ઘરની બહાર સુઇ રહ્યા હતા તેવામાં તેમના મકાનની પાછળ બારીની ગ્રીલ તોડી અજાણ્યા શખ્સોઅે મકાનની અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં તિજોરીમાં રહેલ 62 હજારની રોકડની ચોરી કરી હતી જ્યારે શહેરના મહેસાણા રોડ ઉપર સિધ્ધેશ્વરી માતાના મંદિર નજીક અાવેલ સંસ્કૃતિ બંગ્લોઝમાં રહેતા પટેલ વસંતભાઇ બળદેવભાઇ તેમના પરિવાર સાથે બહાર સુઇ રહ્યા હતા
તે દરમિયાન અજાણ્યા શખ્સોઅે તેમના મકાનની પાછળથી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાં રહેલ અઢી તોલાની સોનાની બંગડીઅો, બે તોલાની ચેઇન અને 25 હજારની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે બંન્ને પરિવારોઅે મકાનમાં જઇ તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જાણવા મળતાં અા અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સોસાયટીમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાને અાધારે તપાસ હાથ ધરી છે. જો કે અા લખાય છે ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થવા પામી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.