વિસનગરના કાંસા એન.એ. વિસ્તારની 60થી વધુ સોસાયટીઓમાં છેલ્લા 20 વર્ષથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.6.70 કરોડના ખર્ચે બે અલગ અલગ વિસ્તારોમાં પાઇપલાઇન નાંખી રૂપેણ નદીમાં પાણી નિકાલની યોજના બનાવી છે. જેની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
કાંસા એનએ વિસ્તારમાં આઇટીઆઇ ચોકડીથી ગુરૂકુળ સ્કૂલ તરફ જવાના માર્ગે આવતી 40 સોસાયટીઓમાં પાણીનો ઝડપી નિકાલ થતો ન હોઇ ચોમાસામાં રહીશોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. ઓ મુદ્દે તંત્ર સમક્ષ રહીશો દ્વારા વારંવાર રજૂઆતો પણ કરાઇ હતી. પરંતુ આ સમસ્યાનો નિકાલ થતો ન હતો.
દરમિયાન, રાજયના આરોગ્ય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલે આ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે બે અલગ અલગ યોજના મંજૂર કરી છે. જેમાં આઇટીઆઇ ચાર રસ્તાથી ગુરૂકુળ તરફ જવાના રોડ ઉપર તેમજ કાંસા ચાર રસ્તાથી ગુરૂકુળ તરફ જવાના માર્ગે પાઇપલાઇન નાંખી આ પાણી રૂપેણ નદીમાં નાંખવામાં આવનાર છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.6.70 કરોડના ખર્ચે તૈયાર કરેલ પાઇપ લાઇન યોજનાની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે અને નવરાત્રી દરમિયાન ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પાઇપ લાઇનની કામગીરી તેમના માટે આશીર્વાદરૂપ બની રહેશે. કારણ કે, છેલ્લા 20 વર્ષથી આ સમસ્યા અમે ભોગવી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.