ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં:વિસનગરના થલોટા રોડ પર વરસાદી પાણીની કેનાલમાં 14 વર્ષની છાત્રાનો ભોગ લીધા બાદ પાલિકા જાગી

વિસનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેનાલનું પાલિકા દ્વારા તાકીદે સમારકામ કરી ઊંચી કરવામાં આવી હતી. - Divya Bhaskar
કેનાલનું પાલિકા દ્વારા તાકીદે સમારકામ કરી ઊંચી કરવામાં આવી હતી.
  • હવે કેનાલ-ગટરની દીવાલો ચણી
  • 20 ફૂટ લાંબી અને 4 ફૂટ ઊચી દીવાલ બનાવાઇ, હવે સ્લેબ ભરાશે: નગરપાલિકા

વિસનગર શહેરની સરદાર સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી અને ગુરૂકૃપા સોસાયટીમાં રહેતી નાયી જીયા વિજયભાઇ શુક્રવારે સાંજના સ્કૂલ છુટ્યા બાદ ઘરે જઇ રહી હતી. ત્યારે ભારે વરસાદમાં થલોટા રોડ ત્રણ રસ્તા ઉપર વરસાદી પાણીની કેનાલમાં ગરકાવ થઇ જતાં તેનું મોત થયું હતું. આ છાત્રાના મોત બાદ ઉંઘમાંથી ઉઠેલી પાલિકાએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારતા હોય તેમ શનિવારે કેનાલ ઉપર દીવાલ ચણી દીધી હતી.

શહેર તરફ અાવતા હાઇવેની ડાબી સાઇડ ઉપર 20 ફૂટ લંબાઇ અને 4 ફૂટ ઉંચાઇની દીવાલ તૈયાર કરાઇ હતી. જ્યારે સામેના છેડે રવિવારે 15 ફૂટ લાંબી અને 4 ફૂટ ઉંચાઇની દીવાલ બનાવી સ્લેબ ભરવામાં અાવનાર છે. પાલિકાના ચીફ અોફિસર, ઉપપ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઅો અને નગરસેવકોની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોખમી કેનાલો તેમજ ખુલ્લી ગટરોનો સર્વે કરવા નીકળી હતી.

જેમાં કલ્યાણ બંગ્લોઝ અાગળ, અાઇટીઅાઇ રેલ્વે ફાટક નજીક, અેસ.કે.કોલેજ અાગળ, ગોવિંદ ચકલા ચાર રસ્તા નજીક, કાંસા ચોકડી નજીકના વિસ્તારોમાં પ્રાથમિક તબક્કે જોખમી હોવાનું જણાતાં અા સ્થળો ઉપર જાળી તેમજ સ્લેબ ભરવા નક્કી કરાયું હતું. ઘટના અંગેનો રિપોર્ટ સરકારમાં કરી દેવાયો હોવાનું પાલિકાના સૂત્રોઅે જણાવ્યું હતું.

વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલે જણાવ્યું કે, આવી ઘટના વિસનગરના ઇતિહાસમાં પહેલીવાર બની છે અને ફરીવાર નહીં બનવા દઇએ. નાનામાં નાની જગ્યાએ જોખમી ગટરો અને કેનાલોની તપાસ કરી સમારકામ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

વતન ઉમતામાં અંતિમયાત્રા નીકળી, શાળા અને નાયી એસોસીએશન દ્વારા બંધ પળાયો
મૃતક જીયા જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સરદાર પટેલ કેમ્પસમાં જીયાના માનમાં શનિવારે સ્કૂલનું કામકાજ બંધ રખાયું હતું. નાયી એસોસીએશન દ્વારા પણ બંધ પળાયો હતો. જીયાના વતન ઉમતા ગામમાં વહેલી સવારે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પરિવારના આક્રંદથી માહોલ શોકમય બની ગયો હતો.

એકેય જગ્યાએ ખુલ્લી ગટર કે કેનાલો ન હોવી જોઇએ
વિસનગરમાં બનેલી ઘટના બાદ કોંગ્રેસના અગ્રણીઓએ શનિવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આવી ઘટના ફરી ન બને તે માટે સત્તાધીશોને ચેતવ્યા હતા. પાલિકાના વિપક્ષના નેતા શામળભાઇ દેસાઇએ જણાવ્યું કે, અગાઉની સામાન્ય સભામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મેં સવાલો કર્યા ત્યારે સત્તાધીશોએ મારું સાંભળ્યું ન હતું. જો તે દિવસે સાંભળ્યું હોત તો કદાચ આ ઘટના બની ન હોત.

અન્ય સમાચારો પણ છે...