વિસનગરની રામબાગ સોસાયટીમાં રહેતા યુવકનું માણસા- ગાંધીનગર હાઇવે પર અકસ્માતમાં મૃત્યુની ઘટનાનો કેસ મહેસાણા મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ કોર્ટમાં દાખલ કરાયો હતો. જે કેસ શુક્રવારે નેશનલ લોક અદાલતમાં ચાલી જતાં બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે 45 લાખ રૂપિયાનું વળતર મૃતકના પરિવારજનોને આપવા હુકમ કર્યો છે.
વિસનગરની રામબાગ સોસાયટીમાં રહેતા રિતેશકુમાર પ્રવિણભાઇ પટેલ અને ભવાની હાઉસીંગ સોસાયટીમાં રહેતા કૃપાલ વાસુદેવભાઇ દિક્ષિત ગત 22 ફેબ્રુઆરી 2022ના રોજ સુરતથી ધંધાનું કામ પતાવી ઇકો ગાડી (જીજે 02 બીપી 7498) લઇ પરત વિસનગર આવતા હતા, ત્યારે માણસા- ગાંધીનગર હાઇવે પર ટ્રેલર (જીજે 12બીએક્ષ 8597)ના ચાલકે ઇકોને ટક્કર મારતાં રીતેશભાઇનું ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ અંગે ટ્રેલરચાલક સામે ગુનો નોંધાયો હતો.
જેમાં મૃતકના પરિવારજનોએ વિસનગર ખાતે આવેલ મહેસાણા મોટર એક્સીડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ કોર્ટમાં રૂ.95 લાખ વળતરનો કેસ દાખલ કર્યો હતો.જે કેસ શુક્રવારે નેશનલ લોક અદાલતમાં મુકાયો હતો. જેમાં અરજદારના વકીલ કમલેશ પટેલની રજૂઆત આધારે અદાલતે બંને પક્ષોને સાંભળ્યા બાદ મૃતકના આવકના સ્ત્રોતને ધ્યાને રાખી મૃતકના પરિવારજનોને 45 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. લોક અદાલતમાં સૌથી મોટી રકમ અકસ્માત વળતર કેસમાં સમાધાન થયું હોવાનું એડ્વોકેટ કમલેશ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.