ગૌરવ:IIMમાં પ્રવેશ મેળવનાર નિસર્ગ ચૌધરીને ભણાવવા પરિવારે બે એકર જમીન બેન્કમાં તારણમાં મૂકી લોન લીધી હતી

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિસર્ગ ચૌધરી અને પરિતોષ ત્રિવેદી. - Divya Bhaskar
નિસર્ગ ચૌધરી અને પરિતોષ ત્રિવેદી.
  • વિસનગર અને રાવળાપુરાના બે યુવાનોએ CATની પરીક્ષા પાસ કરી IIMમાં પ્રવેશ મેળવ્યો

વિસનગર શહેર અને રાવળાપુરા ગામના બે વિદ્યાર્થીઓએ દેશની પ્રતિષ્ઠિત આઇઆઇએમ (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ)માં પ્રવેશ માટેની આઇએએસ અને આઇપીએસ કરતાં પણ અઘરી કેટની પરીક્ષા એક સાથે પાસ કરી વિસનગરને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બંને વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે અને અભ્યાસ માટે તેમના પરિવારોએ સંઘર્ષ કર્યો છે.

રાવળાપુરા ગામના ખેડૂતપુત્ર નિસર્ગ ચૌધરીએ વિસનગર અભ્યાસ બાદ અમદાવાદની કોલેજમાં બીકોમ પાસ કર્યું હતું અને ગત વર્ષે કેટની પરીક્ષા આપી હતી. પરંતુ તેમાં સફળતા ન મળી હોવા છતાં હિંમત હાર્યા વગર ફરીથી પ્રયાસ કર્યો અને કોરોનાકાળમાં ઘરે તૈયારી કરી કેટની પરીક્ષા પાસ કરી આઇઆઇએમ રાંચી ખાતે એડમિશન મેળવ્યું છે. નિસર્ગને ભણવા માટે તેના પરિવારે બે એકર જમીન બેન્કમાં તારણમાં મૂકી લોન લીધી હતી.

જ્યારે વિસનગરની પરિશ્રમ સોસાયટીમાં રહેતા પરિતોષ દર્શનભાઈ ત્રિવેદીએ પ્રથમ પ્રયત્ને કેટની પરીક્ષા પાસ કરી છે. પરિતોષ અમદાવાદની એશિયા પેસેફિક કોમર્સ કોલેજમાં બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તે જ સમયે તેને આઇઆઇએમના પ્રવેશ માટે કેટની પરીક્ષા આપી હતી. તેણે હિમાચલ પ્રદેશના સિરમોર ખાતે એડમિશન લીધું છે. પરિતોષના પપ્પા દર્શનભાઇ અમદાવાદ હાર્ડવેરના ધંધા સાથે સંકળાયેલા છે અને તેઓ વિસનગરથી અપડાઉન કરે છે. આઇઆઇએમ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે દેશમાં અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, જેમાંથી ફક્ત 5000 જ પાસ થાય છે.

ઉલ્લેખનીય છે કે, કેટની પરીક્ષા પાસ કરનારા આ બંને વિદ્યાર્થીઓ શહેરની સહજાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થી હોઇ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ઉદયનભાઈ મહારાજા સહિત શાળા પરિવારે તેમનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...