છેતરપિંડી:વિસનગરના બિલ્ડરે વેચાણ આપેલી દુકાન બીજાને બારોબાર વેચી ઠગાઇ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલાજી કોમ્પલેક્ષના ચાર ભાગીદારો સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

વિસનગરના અક્ષર બંગ્લોઝમાં રહેતા યુવકે ઊંઝા હાઇવે ઉપર આવેલ બાલાજી કોમ્પલેક્ષમાં રાખેલ દુકાનના પૈસા આપી દીધા હોવા છતાં બિલ્ડરોએ આ દુકાન દસ્તાવેજ કરી નહી આપી અન્યને વેચાણ આપી છેતરપિંડી કર્યાની યુવકે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આ પતાં પોલીસે બાલાજી કોમ્પલેક્ષના ચાર ભાગીદારો સામે વિશ્વાસઘાત કર્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર-ઊંઝા હાઇવે ઉપર ઇયાસરા નજીક બાલાજી કોમ્પલેક્ષ નામની દુકાનોની સ્કીમ પ્રજાપતિ બળદેવભાઇ ગંગારામ, પ્રજાપતિ અંકિતભાઇ બળદેવભાઇ, પ્રજાપતિ કનુભાઇ ગંગારામ અને પ્રજાપતિ આકાશભાઇ ગણેશભાઇ નામના બિલ્ડરોએ મુકી હતી. જે સ્કીમમાં કોમ્પલેક્ષના ભોયતળીયે આવેલ દુકાન નં.5 શહેરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ અક્ષર બંગ્લોઝમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા પ્રજાપતિ અલ્પેશભાઇ રમણભાઇ પ્રજાપતિએ 11.51 લાખમાં વેચાણ રાખી હતી અને બાના પેટે 50 હજાર રોકડા આપ્યા હતા. ત્યારબાદ જેમ-જેમ દુકાનનું બાંધકામ થયેલ હોય તેમ તેમ ચેક તથા રોકડેથી પૈસા ચૂકવાયા હતા.

દુકાન બની જતાં અલ્પેશભાઇ કોમ્પલેક્ષના માલિકોને દસ્તાવેજ કરી આપવાનું કહેતાં તેમણે દુકાનના દસ્તાવેજની નોંધણી માટે ચેક માંગતા અલ્પેશભાઇએ તેમના પત્ની વર્ષાબેન અલ્પેશભાઇના નામનો ચેક આપ્યો હતો ત્યારબાદ કોરોના મહામારી આવતાં તેમજ મહામારીમાં અલ્પેશભાઇના પિતા રમણભાઇ મોહનલાલનું અવસાન થતાં દસ્તાવેજ નોંધવી શકાયા ન હતા. જો કે સમય જતાં અલ્પેશભાઇ દુકાનની નોંધણી માટે વારંવાર કહેવા છતાં કોમ્પલેક્ષના માલિકો બહાના બતાવતા હોવાથી અલ્પેશભાઇને શંકા ગઇ હતી જેથી તપાસ કરતાં આ દુકાન પ્રજાપતિ બળદેવભાઇ ગંગારામભાઇએ વર્ષ 2018માં ચૈધરી કિરણભાઇ અંબારામને વેચાણ આપી દસ્તાવેજ પણ કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.

જે અંગે અલ્પેશભાઇએ તેમની ઓફિસે કહેવા છતાં ચારેય લોકો ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવી આ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે બળદેવભાઇ ગંગારામ પ્રજાપતિ, અંકિત બળદેવભાઇ પ્રજાપતિ, કનુભાઇ ગંગારામભાઇ પ્રજાપતિ અને આકાશભાઇ ગણેશભાઇ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...