વિસનગરમાં ખુશીની લહેર છવાઈ:ઋષિકેશ પટેલને કેબિનેટમાં સ્થાન; આરોગ્યમંત્રી, ઉચ્ચ શિક્ષણ, કાયદા મંત્રી અને સરકારના પ્રવક્તા બનાવાયા

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ઋષિકેશ પટેલ અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટીમમાં આરોગ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા. ત્યારે ફરીથી વિસનગર વિધાનસભા સીટ પર ચૌથી વાર જીત મેળવતા ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઋષિકેશ પટેલને ગુજરાત સરકારના ફરીથી આરોગ્યમંત્રી બનાવામાં આવ્યા છે. તેમજ ઋષિકેશ પટેલને ઉચ્ચ શિક્ષણ, કાયદા મંત્રી તેમજ સરકારના પ્રવકતા બનાવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળતા વિસનગરમાં ખુશીની લહેર છવાઈ છે. ઋષિકેશ પટેલે 2021માં કેબિનેટ મંત્રી તરીકે કેટલાય વિકાસના કાર્યો કર્યા છે.

પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા
ઋષિકેશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીની રથયાત્રા દરમિયાન કરી હતી. તે સમયે તેઓ પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2007 સુધી ભાજપના કાર્યકર તરીકે તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સફળતાની જવાબદારી નિભાવી હતી.

સળંગ ત્રીજીવાર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યાં હતા
આ દરમિયાન ઋષિકેશ પટેલને 2007માં વિસનગર વિધાનસભા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ 29,898 મતોથી જંગી વિજય મેળવ્યો હતો. બાદમાં વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિધાનસભા ઉમેદવાર તરીકે તક આપતા તેઓ એનસીપીના ઉમેદવાર ભોલાભાઈ સામે 29,399 મતોથી વિજયી બન્યા હતા. ત્યારબાદ પાટીદાર આંદોલન હોવા છતાં તેઓ 2017માં સળંગ ત્રીજીવાર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યાં હતા. તેમણે કોંગ્રેસના મહેન્દ્રકુમાર પટેલ સામે જીત મેળવી હતી. ત્યારબાદ ફરીથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કિરીટ પટેલને હરાવી 34 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો.

95% ગ્રાન્ટનો વિકાસ માટે સિંહ ફાળો આપ્યો હતો
બીજી તરફ ઋષિકેશ પટેલને 2016માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાં ઋષિકેશ પટેલે 2007થી 2021 સુધી ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. તેમણે છેલ્લા 15 વર્ષની ધારાસભ્ય તરીકેની જવાબદારી દરમિયાન ધારાસભ્યની 95% ગ્રાન્ટનો ઉપયોગ કરી પંથકના વિકાસ માટે સિંહ ફાળો આપ્યો છે. તેઓ 2011થી 2019 દરમિયાન મહેસાણા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતા હતા. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામમાં ટ્રસ્ટી, શ્રી ઉમિયા સંસ્થા, ઉંઝા કારોબારી સભ્ય, તિરુપતિ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા હતા.

આજના જમાનામાં મતદારો જાગૃત છે
ઋષિકેશ પટેલ 2107ની ચૂંટણી પાતળી સરસાઈથી જીત્યા હતા. તે સમયે વિસનગરમાં રૂપાલાની સભામાં પથ્થરમારો થયો ન હોત તો પરિણામ કોંગ્રેસ તરફી આવ્યુ હોત તેવું કહેવાય છે. આજના જમાનામાં મતદારો જાગૃત છે. તે સમયે વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલને પાટીદારોનો ફુલ સપોર્ટ હતો. મહેશ પટેલની ગામડાઓની સભાઓ અને લોકસંપર્ક બાદ તેમની જીત નિશ્ચીત કહેવાતી હતી.

ઘટનાના કારણે સમીકરણો ઋષિકેશ પટેલ તરફી થઈ ગયા હતા
આ દરમિયાન રેલવે સ્ટેશન સર્કલ પાસે મંત્રી રૂપાલાની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઈ હતી. જેમાં ઠાકોર, ચૌધરી, રબારી તથા અન્ય સમાજના લોકોની સંખ્યા વધારે હતી. રૂપાલાનું ભાષણ ચાલું હતું, ત્યારે સભા વિખેરવા થાળી વેલણથી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવતા હોબાળા મચી ગયો હતો. સભામાં હાજર શ્રોતાઓ સભાસ્થળ છોડી જતા રહેશે તેમ જણાતું હતું, પરંતુ સભામાં હાજર લોકો સભાસ્થળ છોડીને જતા રહેવાની જગ્યાએ સભાસ્થળ પર મક્કમતાથી ઉભા રહ્યા હતા. આ ઘટનાના કારણે સમીકરણો ઋષિકેશ પટેલ તરફી થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...