વિસનગર ભાજપમાં વિરોધ:ઋષિકેશ પટેલને ચોથી વાર રિપીટ કરાતા કાર્યકરોમાં નારાજગી; પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે અપક્ષમાંથી લડવાની જાહેરાત કરી

વિસનગર19 દિવસ પહેલા

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂકાઈ ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં વિસનગર વિધાનસભા બેઠક પર ત્રણ ટર્મથી જીત મેળવનાર ઋષિકેશ પટેલને ચોથી વાર રીપીટ કર્યા છે. ત્યારે વિસનગરના કાંસા ગામની વતની અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે વિરોધ દર્શાવ્યો છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં પણ અપક્ષમાંથી ઉમેદવારી કરશે તેવું જણાવ્યું હતું. જશુભાઇ પટેલ 1976થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. ત્યારે પાર્ટી દ્વારા ફરીથી ઋષિકેશ પટેલને વિસનગર બેઠક પર ટિકિટ આપતા વિરોધ દર્શાવ્યો છે.

વિસનગરમાં જામશે ખરાખરીનો જંગ
​​​​​​​વિસનગર તાલુકાના કાંસા ગામના અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ અપક્ષમાંથી ઉમેદવારી કરશે તેવું જાણવા મળતા વિસનગરનું રાજકારણ ગરમાયું છે. જેમાં જશુભાઇ પટેલ અપક્ષમાંથી ઉમેદવારી કરવાની જાહેરાત કરતાં વિસનગરમાં ખરાખરીનો જંગ જામશે. જેમાં વિસનગરમાં ભાજપના જ કાર્યકર જશુભાઇ પટેલ ભાજપના જ ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને તેમને હરાવવાની વાત કરી છે. ત્યારે જેને લઈ વિસનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.

જશુ પટેલની દિવ્ય ભાસ્કર સાથે વાતચીત
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જશુભાઇ પટેલ જણાવ્યું હતું કે, હું ઉમેદવારી કરવાનો છું. પાર્ટીનું આટલા વર્ષોથી કામ કરવાનો અને જનસંઘથી માંડીને અત્યાર સુધી માત્ર પાર્ટી માટે અમે ઘસાયા છીએ છતાં અમારી સાથે અન્યાય થયો છે. વારંવાર ઋષિકેશ પટેલને રીપિટ નહીં કરો અને મને જ ટિકિટ આપો એવી વાત અમારી નહોતી. પણ ઋષિકેશ પટેલને બદલો અને ગમે તે બીજા સારા કાર્યકર્તાને વિસનગરમાં આપો. 15 વર્ષથી પ્રજા દબાય છે, કચડાય છે અને વિકાસ રૂંધાયો છે.

નાના સેન્ટરોનો વિકાસ થયો છે અને વિસનગરની દશા બગડી છે
​​​​​​​વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે કઈ પણ પ્રશ્નો છે, તેનો ઉકેલ ઋષિકેશ પટેલને હટાવવાથી મળે એવો છે. આજે સરકાર કામ કરવા તૈયાર છે, ભાજપની સરકાર છે, કેન્દ્રમાંથી પણ પૈસા આવે છે છતાં વિસનગરનો વિકાસ તમે જોઈ શકો છો. મહેસાણા, કડી, નાના નાના સેન્ટરો ઊંઝાનો વિકાસ થયો છે અને વિસનગરની દશા બગડી ગઈ છે. આજે વિસનગરથી ભાન્ડુ રોડ પર 56 હજારથી વધારે મતદારો ગટરમાંથી આવે છે અને જાય છે. 60 જેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થાય છે. ચોમાસામાં પાણીનો નિકાલ પણ થતો નથી.

બીજી કોઈ પાર્ટીમાંથી લડીશ નહીં, અપક્ષમાંથી જ ઉમેદવારી કરીશ- જશુ પટેલ

વિસનગરનો વિકાસ ગમે તે ખાડે જાય. અને પાર્ટીના મોવડી મંડળને વારંવાર વાત કરી પણ એમણે અમારી વાત ધ્યાને લીધી નથી અને રિપીટ કર્યા એનો અમને વિરોધ છે. ઋષિકેશ પટેલના કારણે પ્રજાના પ્રશ્નોવ ઉકેલાયા નથી એનું અમને દુઃખ છે, જેથી અમારે અપક્ષ ઉમેદવારી કરવી પડે છે. હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને બીજી કોઈ પાર્ટીમાંથી લડીશ નહીં અને અપક્ષમાંથી જ ઉમેદવારી કરીશ.

અન્ય સમાચારો પણ છે...