ફરિયાદ:માછલી કાઢવાની ના પાડતાં મીયાંસણના શખ્સે ઓરડી અને નાવડીઓ સળગાવી

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાદરપુરા પાસેના ચીમનાબાઈ સરોવર નજીકની ઘટના
  • ચોકીયાતે યુવાન સામે ખેરાલુ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

ખેરાલુ તાલુકાના કાદરપુર નજીક આવેલ ચિમનાબાઈ સરોવરમાં રાત્રી દરમિયાન માછલીઓ કાઢતા શખ્સને ચોકીયાતે માછલીઓ કાઢવાની ના પાડતા શખ્સે ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી ઓરડી તેમજ નાવડીઓ સળગાવી દેતાં આ બનાવ અંગે ખેરાલુ પોલીસ મથકે ગુનો દાખલ થવા પામ્યો છે. ખેરાલુ પોલીસે મીયાંસણના શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ નજીક આવેલ ચિમનાબાઈ સરોવર માં માછલી પકડવાનો કોન્ટ્રાક્ટ સેનમા બાબુભાઇ શંકરભાઈને આપવામાં આવ્યો છે જેમાં સરોવર નજીક રામગ્યા ઉર્ફે રામુભાઈ ભોલારામ ઉર્ફ ભોળાભાઈ રામ ચોકીદાર તરીકે નોકરી કરે છે અને ત્યાંજ ઓરડી બનાવી રહે છે.

રાત્રે તાલુકાના મીયાસણ ગામનો ઠાકોર પ્રવિણજી રણછોડજી નામનો શખ્સ તળાવમાંથી માછલીઓ પકડતો હોવાથી રામુભાઈએ તેને માછલી પકડવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા પ્રવીણજી અપશબ્દો બોલી ધોકો લઇ આવી રામુભાઈ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી જ્યારે કોન્ટ્રાક્ટરે બનાવેલ લોખંડના પતરા ની ઓરડી અને નાવડીઓ સળગાવી દીધી હતી.જે બનાવ અંગે ભાઈએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ઠાકોર પ્રવિણજી રણછોડજી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...