તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વિસનગરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક ખુલ્લી ​મુકાઇ, 5 દર્દીના સ્વજનોને ઉપયોગ માટે અપાયાં

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં વતનપ્રેમી દાતાઓના દાનથી ઉભી થઇ 210 મશીન સાથેની ઓક્સિજન બેંક
  • 70 ઈન્કવાયરી આવી, મેડિકલ રિપોર્ટ તપાસી મશીનના ઉપયોગની સમજ આપી અપાશે

વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અમેરિકા સ્થિત તબીબ પરિવારે વતનનું ઋણ ચુકવવા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ડો.વાસુદેવ જ. રાવલ ચેરિટેબલ ટ્રસ્ટને મોકલાવ્યા પછી વતનપ્રેમી અન્ય દાતાઓ પણ લોકકલ્યાણના આ કાર્યમાં જોડાતાં 210 મશીનો ટ્રસ્ટને મળ્યા છે. ટ્રસ્ટ દ્વારા બ્લડબેન્કની જેમ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક બનાવી રવિવારે સ્મિત મેડિકલ એન્ડ હાર્ટ હોસ્પિટલ ખાતે શરૂ કરાઇ છે. તાલુકાના જરૂરમંદ લોકોને વિનામૂલ્યે આ મશીન અપાશે, જે જરૂર પૂરી થયા પછી પરત જમા કરાવવાના રહેશે.

કોરોના મહામારીમાં ઉભી થયેલી ઓક્સિજન કટોકટી પછી કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકાને લઇ સેવાલિયા ગામના અમેરિકા સ્થિત ડો. જસવંતકુમાર ગંગારામભાઇ અને તેમનાં પત્ની ઇલાબેને વતનમાં લોકોને તકલીફ ના પડે તે માટે 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ડો. વાસુદેવ જ. રાવલ ચેરિટેબલ ટ્રસ્ટને દાન કર્યા છે. તો અમેરિકામાં રહેતા વતનપ્રેમી અન્ય અલગ ગૃપોએ પણ વતનને આપવા બીજા 110 મશીનોની ખરીદી કરી છે. જેનું ડો. વાસુદેવ જ. રાવલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન બેંક બનાવી જરૂરમંદોને નિ:શુલ્ક આપવાનું આયોજન કરાયું છે.

રવિવારે ડો.કેતનભાઇ જોશીની સ્મિત મેડિકલ એન્ડ હાર્ટ હોસ્પિટલ ખાતે ઓક્સિજન બેંક ખુલ્લી મુકાઇ હતી. આ પ્રસંગે દાતા પરિવાર ડો. નિરવભાઇ પટેલ, ડો.કેતનભાઇ જોશી અને ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. સ્મિતાબેન પટેલ અને ડો. શુકલાબેન રાવલના હસ્તે જરૂરમંદોને ઓક્સિજન મશીન અપાયાં હતાં. ઓક્સિજન બેંકના ઉદ્ઘાટન પ્રસંગે કોરોના પ્રોટોકોલના કારણે રવિવારે 5 દર્દીના સ્વજનોને બોલાવાયા હતા. ડો. સ્મિતાબેન જોશીએ જણાવ્યું કે, અત્યાર સુધી 70 જેટલી ઈન્કવાયરી આવી છે, જેમના મેડિકલ રિપોર્ટ તપાસીને ઓક્સિજન મશીનનો કેવી રીતે ઉપયોગમાં લેવો તેની સમજ આપી મશીન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...