વિસનગરની નૂતન હોસ્પિટલની અનોખી પહેલ:સાંકળચંદ પટેલ તથા ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નવેમ્બર મહિનામાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક તેમજ લોક લાડીલા સામાજિક કાર્યકર પ્રેરણાસ્ત્રોત સ્વ.સાંકળચંદ દાદા તથા સ્વ. ભોળાભાઈ ચતુરભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિસનગરની નૂતન મેડિકલ કોલેજ & રીસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સમગ્ર નવેમ્બર 2022 મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને વિના મૂલ્યે સારવાર તથા હેલ્થ ચેકઅપ અને અન્ય સેવા ખૂબ જ નજીવા રાહતદરે આપવાનું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.પંકજ નિમ્બાલકરના મેનેજમેન્ટ થકી કરવામાં આવ્યું છે.

આ મહિના દરમિયાન કોઈપણ રોગ નિષ્ણાંત ડૉક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ, નિદાન, સાદો એક્સરે, કારડીયોગ્રામ(ECG), નિયત કરેલ બ્લડ રિપોર્ટ CBC-RBS-URINE R&M, એડમિશન, રહેવા જમવાની સુવિધા, નિયત જેનરીક દવા વગેરે તદ્દન ફ્રી માં થશે. સર્જરી પણ ફ્રી માં થશે. જેમાં ફક્ત દવા રિપોર્ટનો જ ચાર્જ થશે. સગર્ભા બહેનો માટે સીઝેરિયન ડીલિવરી દવા રિપોર્ટ સહિત તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે. આયુષ્યમાન ભારત યોજના જેવી સરકારી યોજના હેઠળ આવતા ઓપરેશન જેવા કે સ્પાઈન સર્જરીની રિપ્લેસમેન્ટ, પથરીના ઓપરેશન વગેરે તદ્દન વિના મૂલ્યે કરી આપવામાં આવશે. દરેક પ્રકારના જૂના અને જટીલ રોગોની ઉત્તમ દરજ્જાની આયુર્વેદિક તથા હોમિયોપેથીક સારવાર સેવા પણ વિના મૂલ્યે ઉપલબ્ધ છે.

કોવિડ માટેની બૂસ્ટર ડોઝ વેક્સીન દર બુધવારે ફક્ત 100/- રૂ. ના ટોકન ચાર્જથી ઉપલબ્ધ છે. કોવિડ RTPCR ટેસ્ટ, સ્વાઇન ફલૂ જેવા ઉ.ગુ.માં ન થતાં ટેસ્ટ પણ અહીં લેબોરેટરીમાં કરી આપવામાં આવશે. પ્લાઝ્મા એફેરેસીસ, સીટી સ્કેન, મેમોગ્રાફી (સ્તન કેન્સર માટે), 2D ઇકો, 3D-4D ખોડખાંપણ, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, લેપ્રોસકોપી, આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સેવા ખૂબ જ રાહતદરે ઉપલબ્ધ છે.

ન્યુરો ફિઝિશીયન, ન્યુરોસર્જન, યુરોલોજીસ્ટ,નેફ્રોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ,પ્લાસ્ટિક સર્જન, કેન્સર સર્જન, પેઈન ફિઝિશીયન, આર્થોસ્કોપીટ, કાર્ડિયોલોજીસ્ટ, આંખની કીકી (કોર્નીયા) ના સ્પેશિયાલિસ્ટ, સ્પાઈન સર્જન જેવા અમદાવાદથી આવતા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની સેવા ઉપલબ્ધ છે. તેમજ ગાયનેક, સર્જન, ફિઝિશીયન, ઓર્થોપેડિક, આંખના સર્જન, નાક-કાન-ગળાના નિષ્ણાંત, પેડીયાટ્રીશીયન, સ્કીન સ્પેશિયાલિસ્ટ, માનસિક રોગ નિષ્ણાંત ડૉક્ટર્સ નિયમિત ધોરણે ફૂલટાઈમ સેવા આપી રહ્યા છે.

તો જાહેર જનતાને નૂતન હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ આરોગ્યલક્ષી ઉત્તમ સારવાર સેવાનો લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટી ગણ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...