વિસનગરમાં એક 14 વર્ષીય કિશોરી ગટરની કેનાલમાં પડી ગઈ હતી, એને 2 કલાકની ભારે મથામણ બાદ બહાર કાઢવામાં આવી હતી, પરંતુ આખરે કિશોરી મોતને વહાલી થઈ હતી. કિશોરી સ્કૂલ તરફથી આવી રહી હતી ત્યારે અચાનક સાઇકલ પરનો કાબૂ ગુમાવ્યો હતો, ત્યાર બાદ તે અંદર ગટરલાઈનમાં પડી હતી. તેને બચાવવા માટે રામપુરા ગામના 75 વર્ષના અમૃતભાઈ પટેલે પળવારનો વિલંબ કર્યા વગર પાછળ કૂદ્યા હતા. જેમણે જીવને જોખમમાં મૂકીને તેનો જીવ બચાવવા ખૂબ મહેનત કરી હતી. છતાં પણ તે ગટરની કેનાલમાં અંદર ઘૂસી ગઈ હોવાથી અમૃતભાઇ પટેલ બચાવી શક્યા નહોતા, જેમાં તેને બચાવવા જતાં અમૃતભાઇને પણ નાનીમોટી ઇજાઓ થવા પામી હતી.
'દીકરીના હાટે મને લઈ લીધો હોત': અમૃતભાઈ
દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં અમૃતભાઇ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના પેલા એક દીકરી પડી હતી જેને તરત જ ઉઠાવીને બહાર કાઢી એના બે કે ત્રણ મિનિટ પછી આ દીકરી સાઇકલ પરનો સમતુલન ગુમાવતા અંદર પડી કે તાત્કાલિક અંદર ગટરમાં ઘુસી ગઈ. મારું જીવન જોખમમાં મૂકીને અંદર પડી ગયો. ભગવાન મારા વ્હાલા મારો જીવ લેજે પણ આ દીકરીને બચાવજે. એટલું તાકાત થી પડ્યો કે દીકરી માટે સતત મહેનત કરી કે મારા વ્હાલા મારી પ્રાર્થના મારી અરજી ના સાંભળી મે મારા જીવના જોખમે બહુ સાહસ કર્યું પરંતુ હે ભગવાન મારા વ્હાલા દીકરીના હાટે મને લઈ લીધો હોત મારી દીકરી આજે તેના માતા પિતાના આંગણે ચરણોમાં રમતી હોત. બાળકી શાળામાંથી નીકળી વળાંકમાં આવી જ્યાં પાણીનો પ્રવાહ સતત વહેતો હતો.જેમાં પહેલી બાળકી અંદર પડી એન તો ઉઠાવી લીધી પરંતુ બે કે ત્રણ મિનિટ બાદ બીજી બાળકી પડી જતા સમતોલન ગુમાવી સીધી પાણીમાં જ ઘુસી ગઈ. કોઈ રસા વગર મારા સાહસ થી હુ સીધો અંદર જ પડી ગયો. બાળકીને બચાવવા હું 15 ફૂટ અંદર પેસી ગયો મે મારા છેલ્લા શ્વાસ સુધી મહેનત કરી પણ બાળકીને ના બચાવી શક્યો.
બાળકી અંદર છે એવી ખબર પડતા જ હું ગટરમાં ઉતર્યો: હર્ષદભાઈ
જિયા ગટર લાઇન વચ્ચે ઝાડીઓમાં ફસાઈ ગઈ હતી. પહેલા તો ખબર જ ન હતી કે બાળકી ક્યાં છે, પણ એક વાંસ અંદર નાખતા તેના પેટ પર ટકરાતાં જાણ થઈ હતી કે બાળકી છે. પછી હું પણ ગટરમાં અંદર ગયો અને અમે ભારે જહેમત કરી પાણીની વચ્ચે રહી ને એને બહાર કાઢી હતી. અંદાજે 2 કલાક બાદ અન્ય ત્રણ વ્યક્તિઓ અંદર જઈને બાળકીને બહાર કાઢીને લાવ્યા હતા.
બાળકીને બચાવવાના પ્રયાસો કરનાર કાકાને પણ ઇજાઓ પહોંચી
રામપુરા (કાંસા) ગામના પટેલ અમૃતભાઈ બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ બાળકી અંદર ઘુસી જતા બચાવી શક્યા ન હતા જ્યાં બાળકીને બચાવવા જતાં અમૃતભાઈ ને પણ શરીરે ઇજાઓ થવા પામી હતી.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે સાંજના સમયે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ધોરણ 8માં ભણતી 14 વર્ષની બાળકી સાયકલ લઈને નીકળી હતી. વરસાદના પાણી પ્રવાહના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવ્યો અને તે ખુલ્લી ગટરમાં ખાબકી હતી. અંદાજે બે કલાક સુધી બાળકી જીવ બચાવવા બુમાબુમ કરતી હતી. સ્થાનિકોને પણ જાણ થતા હજારોની સંખ્યામાં ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. ત્યારબાદ ત્રણ જેસીબીની મદદથી અલગ-અલગ જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. ઘટના સ્થળે સ્થાનિકો અને ફાયરની ટીમની ભારે જહેમત બાદ અંતે બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જો કે બાળકી બહાર નીકળી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી.
અંતે બાળકી મોત સામે હારી ગઈ
સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન કરીને જાણ કરી. 108 આવી જતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ. ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા માટે સતત મહેનત કરી રહી હતી. જો કે અંતે બાળકી મોત સામે હારી ગઈ હતી. બીજીતરફ સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બાળકીનું નામ જિયા નાયી છે અને તે શાળાએથી પરત ઘરે જઈ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.