કાર્યવાહી:વિસનગર પાલિકાની 80 ટકા વેરા વસુલાતનો લક્ષાંક પૂરો કરવા 2200 બાકીદારોને નોટિસ

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 હજારથી ઉપરના બાકીદારોની મિલકત સીલ, નળ જોડાણ કાપવાની કાર્યવાહી
  • રૂ.9.49 કરોડના મિલકત વેરોમાં હજુ રૂ.5.80 કરોડની વસુલાત થઇ છે

વિસનગર પાલિકા દ્વારા વેરો ભરપાઇ કરવામાં બેદરકાર 2200 બાકીદારોને નોટિસો ફટકારાઇ છે. જેમને બાકી વેરો તુરંત ભરપાઇ કરી જવા તાકીદ કરાઇ છે. હવે રૂ.20 હજારથી વધુના બાકીદારો સામે મિલકતો સિલિંગ અને નળજોડાણ કાપવા સુધીનાં પગલાં લેવાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરની મિલકતોમાં રૂ.9.49 કરોડનું ભરણું છે, જેમાં રૂ.5.80 કરોડની વસુલાત થઇ છે, હજુ પણ પાલિકાને 19 ટકા લક્ષાંક પૂરો કરવાનો બાકી છે.

નગરપાલિકા દ્વારા અડધા સ્ટાફને વેરા વસૂલાત ઝુંબેશમાં જોડવામાં આવ્યો છે. જેમાં 15થી વધુ કર્મચારીઓ બપોર સુધી વેરા વસુલાતની કામગીરી કરે છે, ત્યાર બાદ અન્ય કામગીરીમાં જોડાય છે. વેરા વસુલાત ઝડપી બને તે માટે પાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 5માં વેરો નહીં ભરનારા 2200 બાકીદારોને નોટિસો આપી સમય મર્યાદામાં વેરો નહીં ભરો તો કાર્યવાહી કરાશે તેવી ચીમકી અપાઇ છે.

નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા 80 ટકા વેરા વસુલાતનો લક્ષાંક રખાયો છે, હાલમાં 61 ટકા વસુલાત થઇ છે. આગામી સમયમાં રૂ.20 હજારથી વધુના બાકીદારોની મિલકતો સીલ કરવા તેમજ નળ કનેકશન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. વોર્ડ નં. 6થી 9માં પણ બાકીદારોને નોટિસો આપવાની કાર્યવાહી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...