યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવા પહેલ:વિસનગરમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત ઉત્તર પ્રાંતની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા; વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

વિસનગરએક મહિનો પહેલા

વિસનગર શહેરમાં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત ઉત્તર પ્રાંતના રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાનો મૂળ ઉદેશ્ય દેશની યુવા પેઢીમાં રાષ્ટ્રવાદ, ચારિત્ર્યના ગુણો, સામાજિક જવાબદારી અને નૈતિકતાના મૂલ્યોની ભાવના કેળવવાનો છે. દેશના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને જાગૃત કરવા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ તરીકે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઇ પટેલ, ઉદ્ઘાટક તરીકે સ્વામીનારાયણ ગુરૂકુળના મેનેજીંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રસાદ શાસ્ત્રી, અતિથિ વિશેષ તરીકે ભારત વિકાસ પરિષદના ગુજરાત ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી ડૉ. મનોજભાઇ જી.અમીન ઉપસ્થિત રહ્યા હતા.

સમૂહગાન સ્પર્ધામાં ઉત્તર ગુજરાતમાંથી 13 શાખાની પ્રથમ આવેલ ટીમોએ ભાગ લઇ પોતાના કૌશલ્યો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 141 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે પાલનપુરની વિવિધલક્ષી વિધામંદિર, બીજા નંબરે પાટણની કે કે ગર્લ્સ અને ત્રીજા નંબરે રાધનપુરની સરસ્વતી કન્યા વિદ્યાલય ટીમ આવી હતી. વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ તમામ ટીમોને સર્ટીફીકેટ અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તરના સંયોજક દેવેન્દ્રભાઇ ધારાણી, પ્રમુખ ડૉ. અમિતભાઇ અખાણી, મંત્રી હેમંતભાઇ કાટવાલા, મહિલા સંયોજીકા સોનલબેન મોઢ, વિસનગર શાખાના સંયોજક નિલેશભાઇ પટેલ, મહિલા સંયોજીકા બીનાબેન રાવલ, પ્રમુખ નિખીલભાઇ ઠક્કર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

વિસનગર શાખાના રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના સંયોજક નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત વિકાસ પરિષદે સૌપ્રથમ 1967માં દિલ્હીની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને સામૂહિક રીતે દેશભક્તિના ગીતો ગાવા માટે પ્રેરિત કર્યા હતા અને તેને લગતી એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈન પણ હાજર રહ્યાં હતા. તેમણે આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી અને આ કાર્યક્રમને દેશવ્યાપી બનાવવા કાઉન્સિલને પ્રોત્સાહિત કર્યા. વર્ષ 1975માં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ રાષ્ટ્રીય સમૂહગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પ્રોજેક્ટની દ્રઢતા, ભવ્યતા અને લોકપ્રિયતા સાથે દર વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

નેશનલ ગ્રુપ એન્થમ કોમ્પિટિશન કાઉન્સિલ દ્વારા પસંદ કરાયેલ ગીતોની પુસ્તિકા 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર' પર આધારિત છે, જેમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વિવિધ પાસાઓ વિશે ગીતો પસંદ કરવામાં આવ્યા છે. અને આ ગીતો સમયાંતરે બદલવામાં આવે છે. ગીતોમાં દેશભક્તિની લાગણી પ્રસારિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...