LCB પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપ્યો:વિસનગરમાં સી.એન.જી રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો; એક ફરાર, 4 સામે ગુનો દાખલ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાં મહેસાણા રોડ પરથી એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સી.એન.જી રીક્ષામાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં વોચ દરમિયાન રીક્ષા કાચા રસ્તામાં જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો સી.એન.જી રીક્ષાને ઝડપી લીધી હતી. તેમજ સી.એન.જી રીક્ષામાંથી એલસીબી પોલીસે કુલ 217 બોટલ વિદેશી દારૂ સાથે કુલ રૂ.2,59,635ના મુદ્દામાલ સાથે 1 ઇસમને ઝડપી લીધો હતો. તેમજ 1 ઇસમ ફરાર થઈ ગયો હતો. આમ એલસીબી પોલીસે વિસનગર શહેર પોલીસ મથકમાં 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

ખાનગી બાતમીને આધારે વોચ ગાઠવી
વિસનગર ટાઉન વિસ્તારમાં મહેસાણા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કડા ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી બાતમી મળી હતી કે, કાનાજી ગાંડાજી ઠાકોર રહે. મહેસાણા એ પોતાની બજાજ કંપનીની નંબર વગરની સી.એન.જી રિક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી જેતાવાડાથી હિરવાણી થઈ મહેસાણા રોડ પર આવેલ સધી માતાના મંદિરે આવનાર છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. તે આધારે એલ.સી.બી સ્ટાફના માણસોએ મહેસાણા રોડ પર આવેલ બીપીસીએલ પેટ્રોલ પંપ નજીક રોડ પર વોચ ગોઠવી હતી.

પોલીસે રિક્ષાનો ફિલ્મી ઢબે પીછો કર્યો
વિસનગર મહેસાણા ચોકડી તરફથી રીક્ષા આવનાર હોય તેની આડાશ કરતા રીક્ષા યુ ટર્ન મારી પેટ્રોલ પંપ બાજુમાં કાચા રસ્તામાં વળી ગઈ હતી. જ્યાં પોલીસે રીક્ષાનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને રીક્ષાને ઝડપી લીધી હતી. જેમાંથી એક ઇસમ રિક્ષામાંથી અંધારાનો ફાયદો ઉઠાવી નાસી ગયો હતો. તેમજ રિક્ષામાંથી એક ઇસમ ઝડપાયો હતો, જેનુ નામ પૂછતા કાનાજી ગાંડાજી ઠાકોર રહે. મહેસાણા હોવાનું જણાવ્યું હતું અને નાસી જનારનું નામ ઠાકોર અશોક રહે. આથમણો વાસ, વિસનગર વાળો હોવાનું જણાવ્યું હતું.

ડ્રાઈવર સીટની નીચેથી વિદેશી દારૂ મળી આવ્યો
​​​​​​​
જેમાં પોલીસે સી.એન.જી.રિક્ષામાં તપાસ કરતા પેસેન્જર સીટ ઉપર તેમજ પગ મૂકવાની જગ્યા પરથી તેમજ ડ્રાઈવર સીટની નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાંથી પોલીસે બોટલો અને ટીન મળી કુલ 217 બોટલ કિંમત રૂ.45,235નો વિદેશી દારૂ, સી.એન.જી.રીક્ષા કિંમત રૂ.2,00,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ.10,000 તથા રોકડ રકમ રૂપિયા 4400 એમ કુલ મળી કિંમત રૂ.2,59,635નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

પોલીસે 4 શક્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
જેમાં પોલીસે રીક્ષા ચાલક કાનાજી ઠાકોરને ઝડપી લીધો હતો, તેમજ ઠાકોર અશોક નાસી ગયો હતો. જેમાં પોલીસે દારુનો જથ્થો ભરી આપનાર અજીતસિંહ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચહેરાજી પોપટજી ઠાકોર રહે. વિસનગર મળી કુલ ચારેય ઈસમો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...