આયોજન:વિસનગરમાં બે વર્ષ બાદ અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિહર સેવા મંડળમાં યોજાયેલી મિટિંગમાં લેવાયેલો નિર્ણય
  • ઉમિયા માતાજીના મંદિરે ભગવાનનું મોસાળાનો પ્રસંગ યોજાશે

વિસનગરમાં કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી બંધ રહેલી ભગવાન જગન્નાથની શોભાયાત્રા ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે દબદબાભેર કાઢવાનો નિર્ણય ગુરૂવારે રાત્રે મળેલી હરિહર સેવા મંડળની મિટિંગમાં લેવાયો હતો. જેમાં ભગવાનની રથયાત્રાની સાથે ઉમિયા માતાના મંદિરે ભગવાનનું મોસાળું યોજાશે. વિસનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની શોભાયાત્રામાં હજારો લોકો ઉમટી પડે છે. બે વર્ષથી મહામારીને પગલે રથયાત્રા હરિહર સેવા મંડળ દ્વારા બંધ રખાઇ હતી.

અષાઢી બીજના દિવસે ભગવાનના રથને હરિહર સેવા મંડળમાં શણગારી આરતી કર્યા બાદ શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લો મુકાયો હતો. કેસ ઘટતાં હવે ચાલુ વર્ષે રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે ચર્ચા કરવા ગુરૂવારે રાત્રે હરિહર સેવા મંડળની મિટિંગ મળી હતી. જેમાં ભવ્ય રથયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. આ અંગેની જાણ વિવિધ સ્કૂલો, સંસ્થાઓ સહિત હરિહરલાલજી યુવક મંડળ સહિતને કરાશે. આ વર્ષે ઉમિયા માતાના મંદિરે ભગવાનના મોસાળાનો પ્રસંગ યોજાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતની ટીમ દ્વારા ભગવાનના મોસાળાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...