વિસનગર શહેરમાં રહેતા આધેડને યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન થતા ખાનગી હોસ્પિટલમાં લીધેલી સારવારની રકમ 1.07 લાખ રૂપિયા મેડિકલ વીમા કંપનીએ ડાયાબિટીસની બીમારી હોવાનું છુપાવી વીમા ક્લેમના મંજૂર કર્યો. આધેડે જિલ્લા ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ આપતા બંને પક્ષોની દલીલો સાંભળી કમિશને અરજદારને સારવારની રકમ ફરિયાદ દાખલ કર્યાથી આઠ ટકાના વ્યાજે ચૂકવવા હુકમ કર્યો છે.
શહેરની તિરૂપતિ ટાઉનશિપમાં રહેતા નિવૃત્ત તલાટી ગોવિંદ પટેલે વર્ષ 2019માં રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી મેડિકલ વીમો લીધો હતો. જેમાં પોલિસી વર્ષ 2021-22 સુધી રીન્યું કરાવી હતી. જ્યાં ગોવિંદભાઈને યુરિનરી ઇન્ફેક્શન નામની બીમારી થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેમાં તેમને 1,07,862 રૂપિયાનો ખર્ચ થતા તે રકમ મેળવવા જરૂરી કલેઈમ ફોર્મ ભરી વીમા કંપનીને મોકલી આપ્યા હતા. જેમાં વીમા કંપનીએ ડાયાબિટીસની બીમારી હોવા છતાં હકીકત પ્રપોઝલ ફોર્મમાં છુપાવેલી હોવાનું જણાવી કલેમ નામંજૂર કર્યો હતો.
જેથી ગોવિંદભાઈએ આ અંગે વિસનગર તાલુકા કન્ઝ્યુમર પ્રોટેક્શન ફોર્મમાં ફરિયાદ આપતા કન્ઝ્યુમરના પ્રમુખ ભરત પટેલે વીમા કંપનીને નોટિસ આપી હતી. તેમ છતાં પણ નાણાં ન ચૂકવતાં આખરે જિલ્લા ગ્રાહક નિવારણ કમિશનમાં ફરિયાદ આપતા બંને પક્ષોની દલીલો સાંભળી સારવારની રકમ 1,07,862 ફરિયાદની તારીખથી 8 ટકાના વ્યાજ સહિત એકાઉન્ટ પે ચેકથી બારોબાર ચૂકવી આપવા તેમજ માનસિક યાતના પેટે 3 હજાર અને ફરિયાદ ખર્ચ 2 હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.