વિસનગર ક્રાઈમ ન્યૂઝ:નવા કપડાં લેવા નિકળેલા ત્રણ યુવકોને અકસ્માત નડ્યો; દારૂની અલગ અલગ બોટલ મળી આવી; વ્યાજખોરે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો

વિસનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ...
વિસનગરમાં વડનગર તાલુકાના સુલતાનપુર ગામના ત્રણ યુવકો બાઇકમાં વિસનગર કપડાં લેવા આવતા હતા. જલારામ મંદિર નજીક પહોંચતા ટ્રેક્ટર એ બાઇકને ટક્કર મારતા ત્રણેય યુવકોને ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ ટ્રેક્ટર ચાલકે પુરઝડપે આવી ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડનગર તાલુકાના સુલતાનપુર ગામના કાળુજી પ્રભાતજી, આકાશજી, સોવનજી ત્રણે કેનાલ પર બેઠા હતા હતા. ત્યારે ગામમાં હરસિદ્ધમાતાનો પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી વિસનગર નવા કપડાં લેવા માટે આકાશનું પલ્સર બાઇક લઈ નીકળ્યા હતા. જ્યાંથી વિસનગર વડનગર રોડ પર આવેલા જલારામ મંદિર નજીક આવેલા રાધે ટ્રેડર્સ સામે રોડ પર અચાનક ટ્રેક્ટર ચાલકે પુરઝડપે આવી વળાંક લેતા બાઇક મોટર સાઈકલ સાથે અથડાયો હતો અને ત્રણેય યુવકોને ઇજાઓ પહોંચી હતી. જેથી ત્રણેય યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આમ, ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટર પૂરઝડપે ચલાવી અચાનક વળાંક લેતા બાઇક અથડાતા અકસ્માત કરી ત્રણ યુવકોને ઇજાઓ પહોંચતા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશી દારૂનું વેચાણ...
વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કમાણા ચોકડી નજીક બાતમી મળી હતી કે, પટેલ આશિષકુમાર ઉર્ફે આશિયો ફૂલજીભાઈ પટેલ રહે. રાજશ્રી સોસાયટી ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. તે આધારે ઘટનાસ્થળે જઈ રેડ કરતા લોખંડની તિજોરીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બોટલ નંગ 9 કિંમત રૂ. 10,465નો મુદ્દામાલ ઝડપી લઇ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

વ્યાજખોરોનો ત્રાસ યથાવત...
સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. જેમાં પોલીસ લોક દરબાર યોજી વ્યાજખોરોના ત્રાસ અંગે ખુલીને પીડિતોને કહી રહી છે. ત્યારે છતાંય સ્થિતિ તેમજ છે. ત્યારે વિસનગરમાંથી એક મામલો સામે આવ્યો છે. જેમાં ગાયો ભેંસો ખરીદવા માટે લીધેલા 22 લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ 32 લાખ આપવાના બાકી છે. તેમ કહી અવાર નવાર ફોન પર ઉઘરાણી કરી યુવકે 1 કરોડ જેટલા નાણાં ચૂકવ્યા હોવા છતાં પણ ચેક પરત ન આપી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કરતા વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે સ્યુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડાયો હતો. આમ, વ્યાજખોર પાસેથી લીધેલા નાણાં પરત આપ્યા હોવા છતાં ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી કોર્ટમાં કેસ કરતા યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

કાંસા એન.એ વિસ્તારના ધરોઈ કોલોની રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાં અમીભાઈ ગાંડાભાઈ રબારી તેમની ફરિયાદમાં જણાવે છે કે, 2006માં શાહ કિરીટકુમાર સેવંતીલાલ સાથે મિત્રતા થતા શેર બજારમાં રોકાણ કરવાની વાત કરતા નુકસાન થાય તો મારું અને નફો થાય તો તારું કહી ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝમાં કિરીટભાઈ એ ફરિયાદીને લઈ જઈ તેમાં રૂ. 20,000 રોકાણ કર્યું હતું, જે નુકસાન ગયું હતું.

ત્યારબાદ ફરિયાદીએ પશુપાલનનો ધંધો કરવાનુ વિચારતા શાહ કિરીટકુમાર સેવંતીલાલ પાસેથી વર્ષ 2011થી 2015 દરમિયાન ગાયો ભેંસો લાવવા માટે 22,00,000 લાખ લીધા હતા. જેમાં 15 લાખ ચેકથી અને બાકીના રોકડા આપ્યા હતા. જેના બદલામાં ફરિયાદીએ દસ કોરા ચેક આપ્યા હતા. જેમાં ફરિયાદીએ ટુકડે ટુકડે રૂ. 22 લાખ ચૂકવી દીધા હતા અને વર્ષ 2013-14માં 6.50 લાખ ચેકથી તેમજ વર્ષ 2014માં રૂ. 55 હજાર રોકડા આપ્યા હતા. તેમજ બાકીના પૈસા 2017 સુધી ચૂકવી દીધા હતા.

ફરિયાદીએ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ શાહ કિરીટકુમાર સેવંતીલાલ જણાવે છે કે, તમારી પાસેથી મારે 32 લાખ લેવાના નીકળે છે. આમ ખોટી રીતે આ વાતથી ફરિયાદી ડિપ્રેશનમાં આવી જતા વારંવાર ઉઘરાણી કરતા ફરિયાદીએ મહેસાણા ડૉ.પરિમલ પટેલના ત્યાં સારવાર લીધી હતી.

આમ શાહ કિરીટકુમાર સેવંતીલાલે ફરિયાદીએ નાણાં ચૂકવી દીધા હોવા છતાં પણ વારંવાર ઉઘરાણી કરી માનસિક ટોર્ચર કરતા હોવાથી ફરિયાદીએ રૂ. 1 કરોડ ચૂકવી દીધા હોવા છતાં પણ ચેક પરત આપ્યા નહિ. વર્ષ 2022માં 32 લાખ તેમજ તેનું વ્યાજ ગણી રૂપિયા 56 લાખ લેવાના છે. તેમ કહી કોરા ચેકમાં 56 લાખ ભરી ફરિયાદી વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જે અંગે ફરિયાદીએ વિસનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.

આમ, ફરિયાદીએ શાહ કિરીટકુમાર પાસેથી વર્ષ 2011થી 2015 દરમિયાન લીધેલા પૈસા વ્યાજ સહિત રૂ. 1 કરોડ ચૂકવી દીધા હોવા છતાં પણ અવાર નવાર ટેલિફોન પર ધમકીઓ આપી વ્યાજનું વ્યાજ ગણી ચેક રિટર્ન કરવાની ધમકી આપી કોરા ચેક પર 56 લાખ જેટલી રકમ ભરી ચેક રિટર્ન કેસ કરતા ફરિયાદીએ ડરી જઇ જજ સાહેબને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી હતી. ઊંઘની ગોળીઓ ગળી શાહ કિરીટકુમારના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જે અંગેની પરિવારને જાણ થતાં વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, ફરિયાદીએ પૈસા ચૂકવ્યા હોવા છતાં પણ ઉઘરાણી કરી ધમકીઓ આપી ચેક રિટર્ન કેસ કરતા શાહ કિરીટકુમાર સેવંતીલાલ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...