દેશભરમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે. ત્યારે વિસનગર ખાતે ધુળેટી પર્વ પર રંગ છાંટીને નહીં પરતું અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં એકબીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહેરના ટાવર વિસ્તારની અંદર છેલ્લા 200 વર્ષથી ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ખાસડાની જગ્યાએ એકબીજાને શાકભાજી મારી ઉજવણી કરવામાં આવી હતી.
વિસનગરમાં 200 વર્ષથી ખાસડા યુદ્ધની પરંપરા
સામાન્ય રીતે ધુળેટીએ એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરવામાં આવે છે પરંતુ વિસનગરના લોકો કંઈક અલગ રીતે જ ધુળેટી પર્વની ઉજવણી કરે છે. વિસનગરમાં આ પરંપરા 200 વર્ષથી ચાલતી આવે છે. જેમાં એકબીજાને ખાસડા મારી ઉજવણી કરતા હોવાથી તેને ખાસડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉજવણીમાં એવી માન્યતા છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું રહે છે. પરતું હવે આ વર્ષે ખાસડાનુ સ્થાન શાકભાજીએ લઈ લીધું છે. જેમાં ખાસડાની જગ્યાએ રીંગણ, ટામેટાં, બટાકા સહિત જેવી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.
વિવિધ સમાજના યુવાનો ભેગા થાય છે
વિસનગરના ટાવર વિસ્તારમાં ખાસડા યુદ્ધ રમવાની પરંપરા ચાલી આવી છે. ધુળેટીના પર્વ પર વહેલી સવારે શહેરમાં વસતા વિવિધ સમાજના યુવાનોનું જૂથ એકઠું થાય છે. જેમાં બંને એકબીજા સામે ખાસડા કે શાકભાજી મારવાનું શરૂ કરે છે. જાણે કે ઝઘડો થયો હોય કે યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ જોવા મળે છે. ત્યારબાદ ચોકમાં ખજૂરનો ઘડો મેળવવા માટે ઘર્ષણ થાય છે. જેમાં યુવાનો એકબીજા પર શાકભાજી ફેંકીને ઉજવણી કરે છે.
ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી માન્યતા
ખાસડા યુદ્ધ સાથે અનોખી માન્યતા જોડાયેલી છે. જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી માન્યતા છે. વર્ષો પહેલાં આ રમત મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને ત્યારબાદ અહીં તેની શરૂઆત થઈ હતી. જે અત્યાર સુધી પણ યથાવત જોવા મળી રહી છે. જેમાં 200 વર્ષથી વિસનગરના લોકો આ પરંપરા સાથે વળગી રહ્યા છે. વિસનગરમાં ખાસડા યુદ્ધ જોવા માટે શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો એકઠાં થાય છે. જેમાં બે જૂથ બને છે અને બીજા લોકો વિસ્તારના ઘરો તેમજ અગાસી પર ચડી આ ખાસડા યુદ્ધની મજા માણે છે. જેમાં આ વર્ષે પણ શાકભાજી મારી ખાસડા યુદ્ધની ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.