વિસનગર તાલુકાના સેવાલિયા ગામના એક યુવકે બે વર્ષ અગાઉ વ્યાજે લીધેલા પૈસા વ્યાજ સહિત પરત આપ્યા હોવા છતાં 10 ટકા વ્યાજની માંગણી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા યુવકે વરિયાળીમાં નાખવાનો પાઉડર ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાયો હતો. જે બનાવ અંગે બન્ને શખ્સો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સેવાલિયા ગામના ચેતન પટેલ પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ચેતનના પિતાની બે વર્ષ અગાઉ કેન્સરની બીમારી હોવાથી સારવાર માટે વિસનગર ખાતે સાઈ ફાયનાન્સની ઓફિસમાં ફાયનાન્સનો ધંધો કરતા પટેલ સંજય ઉર્ફે ડેની પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું 2 ટકા વ્યાજ હતું અને ચેતનએ તેના સહી કરેલા ચેક આપ્યા હતા. જ્યાં ચેતન એ પોતાની ખેતીની આવક અને પશુપાલનની આવકમાંથી ટુકડે ટુકડે એક વર્ષમાં 1,20,000 ચૂકવ્યા હતા.
ત્યારબાદ તેની પાસે ચેક માગતા તેણે કહ્યું કે, તમારી પાસેથી 10 ટકા વ્યાજ લેવાનું છે. જેથી અમારે તમારી પાસેથી અડધા પૈસા લેવાના બાકી છે તેમ કરી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ બીજા 50,000 હજાર પણ ચૂકવ્યા હતા. ત્યારે પૈસા ન ચૂકવતા 5 લાખ રકમનો ચેક પટેલ સંજય એ ભરી બેંકમાં જમા કરાવતા બેંકમાં પૈસા ન હોવાને કારણે રિટર્ન થતા વિસનગર કોર્ટમાં ફરિયાદ નોંધાઇ હતી.
ત્યારબાદ ફરિયાદી ચેતન એ ગામના ભૂપેન્દ્ર પટેલ પાસેથી બે વર્ષ અગાઉ 70 હજાર લીધા હતા. જેનું વ્યાજ 3 ટકા હતું અને કોરા ચેક પણ આપ્યા હતા. જેમાં ચેતન એ છ મહિનામાં જ રૂપિયા 90 હજાર ભરી દીધા હતા. જ્યાં ચેક પરત લેવા જતા તારે 10 ટકા વ્યાજે પૈસા ચૂકવવાના છે. અડધા પૈસા બાકી છે. તેમ કહી કાઢી મૂક્યા હતા. ચેકમાં રકમ ભરી બેંકમાં જમાં કરાવતા ચેક રિટર્ન થતા વિસનગર કોર્ટમાં કેસ કર્યો હતો.
કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ બન્ને જણા અવાર નવાર ચેતન સહિત તેની પત્નીને ધમકીઓ આપતા હતા. જેમાં તમે 10 ટકા લેખે પૈસા ચૂકવ્યા નથી. તમે પૈસા ચૂકવી દો નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
જ્યાં ચેતન એ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ બન્ને શખ્સોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચેતન એ ત્રાસના કારણે ડરી વરિયાળીમાં નાખવાનો પાઉડર ખાઈ લેતા સારવાર અર્થે પ્રથમ વિસનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પટેલ સંજય ઉર્ફે ડેની અને પટેલ ભૂપેન્દ્ર વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.