હૈયાધારણા:વિસનગરના સુંશી રોડ પર નવી ડમ્પિંગ સાઇડના રસ્તામાં કચરો નાંખતાં હોબાળો

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ કચરો નાંખવા આવેલા ટ્રેક્ટરોને રોકતાં પોલીસ દોડી, રસ્તો ક્લીયર કરવાની ખાત્રી બાદ મામલો થાળે

વિસનગર શહેરના સુંશી રોડ પર નવીન ડમ્પિંગ સાઇડ પર નાંખવામાં આવતો કચરો ખેતરોમાં જવાના માર્ગ ઉપર આવી જતાં બુધવારે આ વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતોએ કચરો નાંખવા આવતા ટ્રેક્ટરોને રોકી વિરોધ દર્શાવ્યો હતો. જેના પગલે દોડી આવેલી પોલીસે રાત સુધી રસ્તો ચોખ્ખો કરવાની હૈયાધારણા આપતાં મામલો થાળે પડ્યો હતો.

પાલિકા દ્વારા સુંશી રોડ પર બનાવાયેલી નવીન ડમ્પિંગ સાઇડ પર જૂની સાઇડનો કચરો તેમજ શહેરમાંથી એકત્ર થતો કચરો ઠલવાઇ રહ્યો છે. કચરો ડમ્પિંગ સાઇડ નજીક જતા રોડ ઉપર નાંખવામાં આવતો હોઇ રોષે ભરાયેલા ખેડૂતોએ કચરો નાંખવા આવી રહેલા ટ્રેક્ટરોને રોકી દેતાં મામલો ગરમાયો હતો. પોલીસ પણ દોડી આવી હતી અને રાત સુધી રસ્તો ક્લીયર કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.

આ અંગે ખેડૂત જયરામભાઇ રબારીએ જણાવ્યું કે, ખેતરોમાં જવાના રસ્તા ઉપર કચરો નાંખવાના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. આ ડમ્પિંગ સાઇડના કારણે ચોમાસામાં પાણી ભરાતાં ખેતરોમાં ખેતીને પણ નુકસાન થવાની દહેશત છે. પાલિકાના ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું કે, નગરપાલિકાના માણસોની ભૂલ હતી, જેને સુધારી લેવામાં આવી જેસીબી મોકલી રસ્તો સાફ કરી દેવાની કામગીરી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...