બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ:વિસનગરમાં પૈસા આપી દીધા છતાં દુકાન બીજાને વેચી મારતાં છેતરપિંડી, બાલાજી કોમ્પલેક્ષના ચાર બિલ્ડરો સામે વિશ્વાસઘાતનો ગુનો દાખલ

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના વડુ ગામમાં રહેતા વૃધ્ધે બાલાજી કોમ્પલેક્ષમાં રાખેલ બે દુકાનોના પૈસા આપી દીધા હોવા છતાં બિલ્ડરોએ દુકાનનો દસ્તાવેજ કરી આપી નહિ અન્યને વેચાણ કરી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં વૃધ્ધે આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ચાર બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

વિસનગર-ઊંઝા હાઇવે ઉપર ઇયાસરા નજીક બાલાજી કોમ્પલેક્ષ નામની દુકાનોની સ્કીમ પ્રજાપતિ બળદેવભાઇ ગંગારામ, પ્રજાપતિ અંકિતભાઇ બળદેવભાઇ, પ્રજાપતિ કાનજીભાઇ ગંગારામ અને પ્રજાપતિ આકાશભાઇ ગણેશભાઇ નામના બિલ્ડરોએ મુકી હતી. જે સ્કીમમાં કોમ્પલેક્ષના ભોયતળીયે આવેલ દુકાન નં.11 અને 12 વડુ ગામના પટેલ મહેન્દ્રભાઇ જોઇતાભાઇ દ્વારા 13-13 લાખ મળી કુલ રૂ. 26 લાખમાં રાખી હતી.

આ દુકાન ખરીદીના જેમાં બાના પેટે 50 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ 26-02-2019ના રોજ તેમના ભાઇ પટેલ રમેશભાઇ જોઇતારામના ચેકથી 1.75 લાખ તેમજ બીજા ભાઇ રાજેશભાઇ જોઇતારામના 2 લાખ ચેકથી આપ્યા હતા. ત્યારબાદ 17.75 લાખ અલગ અલગ સમયે તેમની ઓફિસે જઇ રોકડા આપ્યા હતા. જ્યાં 22 લાખ રૂપિયા પુરા થતાં મહેન્દ્રભાઇ પટેલે દસ્તાવેજ કરવાનું કહેતા બાકીના ચાર લાખ રૂપિયા આપો તો દસ્તાવેજ કરી આપીશું તેમ જણાવ્યું હતું. જ્યાં 17-06-2022ના રોજ 300ના સ્ટેમ્પ ઉપર બાનાખત લેટર નોટરી રૂબરૂ કરી આપી દુકાનનો કબજો આપતાં મહેન્દ્રભાઇ પટેલે ચાર લાખ રૂપિયા આપતાં 04-07-22ના રોજ વાઉચરની પહોંચ ઉપર પ્રજાપતિ બળદેવભાઇ તથા પ્રજાપતિ કાનજીભાઇની સહીઓ કરી 26 લાખ મળેલ હોવાનું આપી 15 દિવસમાં દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું. જ્યાં તેમને વારંવાર દસ્તાવેજ કરી આપવાનું કહેવા છતાં કરી આપતા ન હોવાથી મહેન્દ્રભાઇએ દુકાનના ઉતારા કઢાવતાં દુકાન નં. 11 પટેલ રાકેશકુમાર ચંદુલાલ અને દુકાન નં. 12 ઠક્કર અર્ચિતાબેન નિમેશભાઇના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેમને કહેવા છતાં ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવી મહેન્દ્રભાઇ પટેલે વિસનગર તાલુકા પોલીસ મથકે આકાશ ગણેશભાઇ પ્રજાપતિ, કાનજીભાઇ ગંગારામ પ્રજાપતિ, અંકિતભાઇ બળદેવભાઇ પ્રજાપતિ અને બળદેવભાઇ ગંગારામ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...