પ્રતિમાનું અનાવરણ:વિસનગર નૂતન કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ સ્વ. ભોળાભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નૂતન હોસ્પિટલમાં કોવિડ દરમિયાન દાન આપનારા દાતાઓનું બહુમાન કરાયું

વિસનગરની સાંકળચંદ યુનિ.માં સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.ભોળાભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભોળાભાઇ પટેલે સંસ્થા અને શહેર માટે કરેલા પરિશ્રમને યાદ કરી તેમની પ્રતિમા વિસનગર શહેરમાં પણ મુકવાની જાહેરાત કરી હતી.

મહાનુભાવોના હસ્તે પૂર્વ સહકાર મંત્રી સ્વ. ભોળાભાઇ ચતુરભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. તેમજ નૂતન હોસ્પિટલમાં કોવિડ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ તેમજ એમ્બ્યુલન્સ માટે દાન આપનાર દાતાઓનું સન્માનપત્ર આપી અભિવાદન કરાયું હતું. સાંકળચંદ યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં ભોળાભાઇ પટેલે સંસ્થા માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, વિસનગરના વિકાસમાં સાંકળચંદ દાદા, રમણીકભાઇ મણિયાર, શીવાભાઇ પછી ચોથા નંબરે ભોળાભાઇનું નામ આવે છે.

ઇતિહાસ ભૂલવાવાળી પ્રજાનો ઇતિહાસ ભૂલાઇ જાય છે અને આ જમીનની ઇંટમાં ભોળાભાઇની મહેનત છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, યાદ એ રહે છે જેમને સમાજ માટે કંઇક કર્યું છે. ભોળાભાઇ, શીવાકાકા અને રમણીક દાદાની સાથે નાનપણમાં હુ રમ્યો છું, ભોળાભાઇએ કેમ્પસની સ્થાપનામાં પરિશ્રમ કર્યો છે અને તે સંસ્થાનું હાલમાં પ્રકાશભાઇએ ડેવલપમેન્ટ કર્યું છે. આ પ્રસંગે ઊંઝા ઉમિયા માતાના સંસ્થાનના પ્રમુખ મણિભાઇ મમ્મી, સાંસદ નરહરિભાઇ અમીન, સાંસદ શારદાબેન પટેલ, ઊંઝા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, ભોળાભાઇ પટેલના પરિજનો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઇ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ દ્વારા સાંકળચંદ યુનિ.માં આગામી સમયમાં બનનાર હોમિયોપેથિક કોલેજનું નામ સ્વ. ભોળાભાઇ ચતુરદાસ પટેલ હોમિયોપેથિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર રાખવાનું નક્કી કરાયું હતું. જેની જાહેરાત નીતિનભાઇ પટેલે સભામાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...