નજીવી બાબતે મામલો બિચક્યો:કાંસા બસ સ્ટેશન પાસે શાકભાજીની લારી ઊભી રાખવા માટે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના કાંસા ગામે બસ સ્ટેશન પર શાકભાજીની લારી ઊભી રાખવા માટે બે પક્ષો વચ્ચે થયેલી બબાલ બાદ અદાવત રાખી મારામારી કરતા બન્ને પક્ષોએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના કાંસા ગામે સુરેશ અમરતભાઈ દેવીપુજક ગત તારીખ 04/01/2023 ના રોજ કાંસા બસ સ્ટેશન સામે શાકભાજીની લારી લઈ તેમના ભાઈ, ભાભી તેમજ માતા સાથે શાકભાજીનો ધંધો કરવા માટે ઊભા હતા. તે દરમિયાન તેમના કાકાના દીકરા અરવિંદ તેમજ તેમના ભાઈ કિરણ તથા તેમના પિતા દશરથ બાબુભાઈએ ત્રણેય જણાં શાકભાજી વેચવા છકડો લઈને બાજુમાં ઊભા હતા. જેમાં અરવિંદે સુરેશની ભાભીની લારીને હટાવવા માટે કહ્યું હતું. તેમજ છકડો ઊભો કરી જોરશોરથી બોલવા લાગ્યા કે તમારે અહીંયા ધંધો કરવાનો નહિ. ત્યારબાદ શાકભાજીનો ધંધો કરી સુરેશ સહિત તેમનો પરિવાર રાત્રી દરમિયાન ઘરે હતા. ત્યારે પિતા દશરથભાઈ, પુત્ર અરવિંદ અને કિરણ મળી સામાન્ય બોલાચાલીની અદાવત રાખી ત્રણેય મારામારી કરવા લાગ્યા હતા. આમ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય પિતા પુત્ર સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અરવિંદ દશરથભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કાંસા બસ સ્ટેશન પાસે શાકભાજીનો છકડો ઊભો રાખવા જેવી સામાન્ય બાબતમાં દેવીપુજક કનુ અમરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જ્યાં શાકભાજીનું વેચાણ કરી રાત્રે ઘરે જતા અરવિંદના પપ્પા એ ફોન કરી જણાવ્યું હતું કે, સામે વાળા ઝગડો કરવા માટે આવ્યા છે. જ્યાં દેવીપુજક સુરેશ અમરતભાઈ તેમજ દેવીપુજક કનુ અમરતભાઈ તેમજ દેવીપુજક જયેશ અમરતભાઈ મળી ત્રણેય પિતા પુત્રને કુહાડી તેમજ ગડદાપાટુનો માર મારતા ત્રણેય શખ્સો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

આમ, સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં અદાવત રાખી બન્ને પક્ષો વચ્ચે મારામારી થતા કુલ 6 શખ્સો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...