વિસનગર શહેરમાં આવેલા કડા ચોકડી પાસે લબ્ધિ પાર્ક ફ્લેટ તરફ જવાના રસ્તા પર ઉભરાતી ગટરથી ફ્લેટમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ રહેવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ઘણા દિવસ થયા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
વિસનગરના કડા ચોકડી વિસ્તાર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. પરંતુ કડા ચોકડી નજીક આવેલ લબ્ધિ પાર્ક ફ્લેટ તરફ જવાના રસ્તા પર છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાય છે. જેમાં ગટર ઉભરવવાથી ગંદુ પાણી રોડ પર ભરાઈ છે. જેથી રસ્તા પરથી પસાર થનાર પદયાત્રીઓને મુશ્કેલી પડી રહી છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી મોટી બીમારી થવાની દહેશત સેવાઈ રહી છે. રસ્તા ની નજીક જ ખાવા પીવા માટેની હોટલો આવેલી છે. જેની સામે ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. જેથી સ્થાનિકો સહિત હોટલમાં આવતા લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાય વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા લોકો લબ્ધિ પાર્ક ફ્લેટમાં રહે છે. તેઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જેથી આ ઉભરાતી ગટરનું જલદી નિરાકરણ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.