વિસનગર તાલુકાના કુવાસણા ગામના પટેલ ગીરીશકુમાર મંગળદાસ નામના ખેડૂતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કપાસના પાકમાં નવતર પ્રયોગ કર્યો છે. જેમાં કપાસના પાકમાં શ્રી દાદા લાડ કપાસ તંત્ર જ્ઞાન નામની પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિ દ્વારા કપાસના પાકમાં દોઢથી બે ગણુ ઉત્પાદન વધે છે. ચાલુ પદ્ધતિ કરતા આ પદ્ધતિથી કપાસનું વાવેતર કરવાથી કપાસના કાલાનુ પણ વજન વધી જશે. ચાલુ પદ્ધતિમાં 1 વીઘામાં 20 મણ રૂનુ ઉત્પાદન થતું હોય તો આ પદ્ધતિ અપનાવવાથી 40 મણ ઉત્પાદન લઈ શકાય છે. આમ આ પદ્ધતિ દ્વારા જંતુનાશક દવાઓનો ખર્ચ પણ ઘટી જાય છે, જેનાથી ખેડૂતની આર્થિક બચત પણ થાય છે.
કપાસના નવા વાવેતરની પદ્ધતિ
આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ખેડૂત ગીરીશભાઈ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પદ્ધતિથી કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં કપાસના છોડમાં વિકાસની ડાળી કાપી નાખવી (Monofodia), આ ડાળીને ઓળખવા માટે કપાસના છોડની પ્રથમ, બીજા અને ત્રીજા પાન પર ફૂલ ભમરી (ચપકા)ના હોય તે ડાળીને કાપી નાખવી. આમ કરવાથી ઉત્પાદન વધશે.
આ પદ્ધતિના લાભ
આ પદ્ધતિના જે વિકાસની ડાળીઓ જમીનમાંથી ખોરાક મેળવી વિકાસ કરે છે, તે ખોરાક મળતો અટકી જશે અને આ ખોરાક ફળ વાળી ડાળીઓને મળશે. તેનાથી ફળનો વિકાસ થશે અને ક્વોલિટી પણ સારી મળશે. છોડની આજુબાજુ વિકાસની ડાળી કપાઈ જવાથી સૂર્યપ્રકાશ તથા હવાની અવરજવર સારી રીતે થશે તેનાથી પાકમાં રોગ જીવાત ઓછા આવશે જેના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો થશે અને ખેડૂતને બચત થશે.
1 વીઘામાં દોઢથી બે ગણુ ઉત્પાદન થશે
આ પદ્ધતિથી દોઢ ગણુ ઉત્પાદન થશે. અત્યારે કપાસના કાલામાંથી રૂનુ વજન 4થી 5 ગ્રામ હોય છે. પરંતુ આ પદ્ધતિ અપનાવવાથી કાલામાં રૂનુ વજન 8થી 10 ગ્રામ થાય છે. આ પદ્ધતિ દ્વારા 1 વિઘામાંથી 30થી 40 મણ રૂનું ઉત્પાદન મેળવી શકાય છે, જેનો સીધો લાભ ખેડૂતને થશે. આ પદ્ધતિ ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી દાદા લાડ તરફથી કુવાસણા ગામના ખેડૂતને જાણવા મળી હતી. તેનો પ્રેક્ટિકલ અભ્યાસ માટે ખાસ ટ્રેનરને મોકલી પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.