જનતાને દિવાળીની ભેટ:વિસનગરમાં 26,976 લાખના વિકાસના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વિસનગરએક મહિનો પહેલા

વિસનગર શહેર અને તાલુકામાં વિવિધ વિભાગના વિકાસના કામોનો વિશાલ પાર્ટી પ્લોટ ખાતે ઈ-ભૂમિપૂજન, ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે વિકાસના કામોનું ઈ-ભૂમિપૂજન, ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર શહેર અને તાલુકામાં વિવિધ વિભાગના 138 કામોનું 26976 લાખના કામો માટે સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં 2500 કરોડ સુધી કેવળ ને કેવળ વિસનગરમાં આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસ માટે અર્પણ કર્યા છે. ક્યાંક લોકાર્પણ હશે, ક્યાંક ખાતમુહૂર્ત હશે અને ક્યાંક ભૂમિપૂજન હશે. જ્યાં લોકાર્પણ છે એ દિવાળીની ભેટ, જ્યાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત છે ત્યાં એ બધા આવતા વર્ષની ભેટો છે, એ અત્યારે આપણે તાલુકાને આપી ચૂક્યા છીએ.

સતત કામ કરતી સરકાર એટલે ડબલ એન્જિન સરકાર એટલા માટે કહેવાય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી આપના તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમયે આપણને ઉપરથી સહકાર નહોતો મળતો. આજે તો ઉપર નરેન્દ્ર મોદી અને નીચે ભૂપેન્દ્ર પટેલ એમની તિજોરીમાંથી ગયા વખતે 2 લાખ 45 હજાર કરોડનુ બજેટ અને હમણાં આ ચોમાસુ આવ્યું છે એટલે બધા દેડકા ડ્રાઉં ડ્રાઉ કરે છે, નજર સીધી તિજોરી ઉપર છે. આ 2 લાખ 45 હજાર કરોડની તિજોરી ઉપર છે કે ક્યારે આ દ્રાક્ષ સુધી અમે પહોંચી શકીએ. એમને ખબર નથી કે તમે જે દ્રાક્ષની રાહ જોઈ રહ્યા છો, ત્યાં ગુજરાતની જનતા તમને એના સુધી ક્યારેય પહોંચવા દેવાની નથી. વધુમાં વિધાનસભાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે મહેસાણા જિલ્લામાં 2007માં સાતમાંથી સાત હતી અને 2022 પણ ઇતિહાસ બનાવશે. સાતમાંથી સાત સીટ ભાજપને મળે અને જશુભાઇને જ મળે.

વિસનગર શહેર અને તાલુકાના વિકાસ માટે 26976 લાખના 138 કામોનો ઇ-ભૂમિપૂજન, ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગમાં 226 લાખ, ધરોઈ વિભાગના 1450 લાખ, માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના 4600 લાખ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગના 8008.62 લાખ, સર્વ શિક્ષણ અભિયાનના 1930 લાખ, ઉતર ગુજરાત વીજ કંપનીના 4105 લાખ, પાણી પુરવઠા વિભાગના 1200 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 5119 લાખ તેમજ નગરપાલિકા વિભાગના 335.42 લાખના વિકાસના કામોનુ ઈ-ભૂમિપૂજન, ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...