વિસનગર તાલુકાના પાલડી ગામની સેવા સહકારી મંડળીના મંત્રી રાજુ ચૌધરીએ 75 ખેડૂતોએ પાક ધિરાણની જમા કરાવેલી રકમ બેન્કમાં જમા નહીં કરાવી તેમજ અન્ય સિલક મળી રૂ.1.52 કરોડની ઉચાપત કરી હોવાનું ખેડૂતોના હોબાળા બાદ સહકારી મંડળી વિભાગના ઓડિટમાં ખૂલતાં મંડળીના પ્રમુખે વિસનગર શહેર પોલીસ મથકે મંત્રી સામે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.
પાલડી સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઇ રામજીભાઇ ચાૈધરી ફરજ બજાવે છે. મંડળી દ્વારા 20 મે 2020થી 4 સપ્ટેમ્બર 2020 સુધી ખેડૂતોને 7 ટકા વ્યાજે પાક ધિરાણ અપાયું હતું. જેની રકમ ખેડૂતોએ મંત્રીને 1 માર્ચ 2021થી 30 જૂન 2021 સુધી રોકડરૂપે જમા કરાવતાં મંત્રીએ તેની સહીવાળી પહોંચ પણ આપી હતી. પરંતુ બીજા વર્ષના પાક ધિરાણની લોન લેવા જતાં અમુક ખેડૂતોને પાક ધિરાણની લોન મંડળીમાંથી નહીં મળતાં બેન્કમાં તપાસ કરી હતી. જેમાં તેમની જમીન ઉપર લીધેલી લોન બાકી હોવાનું જાણવા મળતાં હોબાળો મચી ગયો હતો.
જે અંગે જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરાતાં ઓડિટ કરાવાયું હતું. જેમાં 75 ખેડૂતોના રૂ. 1,31,71,000 પાક ધિરાણની રકમ અને રૂ.7,57,451 વ્યાજની રકમ મળી રૂ.1,39,28,451 રકમ જમા ન કરી ઉચાપત કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે મંડળીના પ્રમુખ ચાૈધરી છત્રસિંહ જેસંગભાઇએ વિસનગર શહેર પોલીસ મથકમાં મંત્રી રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઇ રામજીભાઇ વિરુદ્ધ પાક ધિરાણની ભરવાની રકમ, વ્યાજની રકમ તેમજ વ્યાજના પૈસા તથા મંડળીની વ્યાપારી પ્રવૃત્તિ અને અન્ય સિલકોના નાણાં મળી કુલ રૂ. 1,51,95,545ની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.