વિસનગરના ગણેશ એન્જિનિયર્સના બિલ્ડર બળદેવભાઇ પ્રજાપતિને ચેક રિટર્ન કેસમાં કોર્ટે 6 માસની કેદની સજા અને ચેકની રકમ ~13.25 લાખ 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. વિસનગરની સુરક્ષા સોસાયટીમાં રહેતા પટેલ દિનેશકુમાર શંકરલાલને સોસાયટીમાં જ રહેતા ગણેશ એન્જિનિયર્સના પ્રોપરાઇટર બળદેવભાઇ ગંગારામ પ્રજાપતિ સાથે પરિચય બાદ મિત્રતા થઇ હતી અને એકબીજા સાથે નાણાંકીય આપ-લેના પણ સંબંધો કેળવાયા હતા.
બળદેવભાઇએ વર્ષ 2019માં ધંધાની સિઝન હોવાનું કહી દિનેશભાઇ પાસેથી રૂ.13.25 લાખની માંગણી કરતાં દિનેશભાઇએ ત્રણ ચેક ગણેશ એન્જિનિયર્સ એકાઉન્ટના નામે આપ્યા હતા. ત્રણ માસ બાદ દિનેશભાઇએ પૈસા પરત માંગતાં હાલ નાણાકીય સગવડ ન હોવાનું તેમજ કોરોનાનું બહાનું બનાવી અઢી વર્ષ સુધી નાણાં આપ્યા ન હતા. બીજીબાજુ, દિનેશભાઇ પણ નાણા ભીડમાં આવી જતાં તેમણે ફરી ઉઘરાણી કરતાં બળદેવભાઇએ રૂ.13.25 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક અપૂરતા નાણાંને કારણે રિટર્ન થયો હતો.
જે બાબતે દિનેશભાઇએ કહેતાં બળદેવભાઇએ નાણાંની સગવડના અભાવે પરત થયાનું જણાવી બીજો ચેક આપ્યો હતો. જે પણ રિટર્ન થતાં દિનેશભાઇ પટેલે વિસનગર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે પ્રજાપતિ બળદેવભાઇ ગંગારામને દોષિત ઠેરવી 6 માસની સાદી કેદની સજા અને નાણાંની રકમ 30 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.